આજથી મીનારક કમુરતા પુર્ણ થતાં હવે ગુજરાતભરમાં લગ્નોના ઢોલ ઢબુકશે
- એપ્રિલ-મેમાં લગ્ન માટે 24 મુહૂર્ત સર્વશ્રેષ્ઠ
- 30 એપ્રિલના દિવસે અખાત્રીજનું લગ્નો માટે વણજોયું મુહૂર્ત
- અમદાવાદમાં પાર્ટી પ્લોટ્સ, મેરેજહોલ, રસોઈયા વગેરે બુક થઈ ગયા
અમદાવાદઃ આજે મિનારક કમુરતા પૂર્ણ થતાં હવે દોઢ મહિનો લગ્નગાળાની સીઝન ચાલશે, એપ્રિલ અને મેમાં લગ્નો માટે 24 મુહૂર્ત સર્વશ્રેષ્ઠ હોવાનું કર્મકાંડી ડિતો કહી રહ્યા છે. જેમાં 30મી એપ્રિલ અખાત્રિજ એ શુભ લગ્નો માટે વણજોયુ મુહૂર્ત કહેવાય છે. અમદાવાદ શહેરમાં પણ ધૂન લગ્નો યોજાશે. મોટાભાગના પાર્ટપ્લોટ્સ, મેરેજ હોલ, રસોઈયા, મંડપ ડેકોરેશન અને ડીજે વાળા બુક થઈ ગયા છે.
કર્મકાંડી પંડિતોના કહેવા મુજબ પંચાંગ પ્રમાણે વર્ષમાં બે કમુરતાં આવે છે. સૂર્યદેવ ધન રાશિમાં ભ્રમણ કરે ત્યારે ધનારક અને મીન રાશિમાં ભ્રમણ કરે ત્યારે મીનારક રહે છે. ધનારક અને મીનારક બન્ને સંયોગની કમુરતાં તરીકે ગણતરી કરવામાં આવતી હોય આ સમયમાં લગ્ન સહિતના શુભ કાર્યો વર્જિત માનવામાં આવે છે. તારીખ 14 એપ્રિલને રાત્રે 3.24 કલાકથી સૂર્ય ગ્રહનો મેષ રાશિમાં પ્રવેશ થતા મીનારક કમુરતાં પૂર્ણ થયા છે. અને આજથી જ લગ્ન સહિતના શુભ પ્રસંગોનો યોજી શકાશે. એપ્રિલમાં બાકી રહેલા 17માંથી 10 દિવસ અને મે મહિનામાં 14 મુહૂર્ત લગ્ન માટે શ્રેષ્ઠ હોવાનું પંડિતો જણાવે છે.
અન્ય કર્મકાંડી પંડિતના જણાવ્યા મુજબ આજે તા. 14 એપ્રિલને સોમવારથી લગ્નના શુભ મુહૂર્તોની પ્રારંભ થયો છે. રવિવારે રાત્રીના સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ સાથે મીનારક કમુરતાં પૂર્ણ થયા છે. તેથી હવે અને લગ્નો સહિત શુભ પ્રસંગો યોજી શકાશે. તા.12 જૂનથી 7 જુલાઈ સુધી ગુરુ ગ્રહનો અસ્ત છે. ગુરુ ગ્રહના અસ્તમાં લગ્ન થઈ શકતા નથી. 6 જુલાઈ 2025ના દિવસે દેવપોઢી એકાદશી છે. આમ દેવપોઢી જાય એટલે લગ્નના મુહૂર્ત હોતા નથી. 30 એપ્રિલના દિવસે અખાત્રીજનું વણજોયું મુહૂર્ત છે.
મીનારક કમુરતાં પૂર્ણ થતા અશુભ ગણાતા દિવસો હવે પૂરા થતાં ફરીથી લગ્નસરાની ઋતુ ઉજવણીના રંગમાં ખીલી ઉઠવાની તૈયારીમાં છે. શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં લગ્નો, સગાઇ, ગૃહપ્રવેશ જેવા શુભ કાર્યો માટે ઉત્તમ સમય શરૂ થશે. મીનારક કમુરતાં પૂર્ણ થયા બાદ શરૂ થનારી લગ્નની સિઝન માટે લગ્ન મંડપો, કેમેરા, ડેકોરેશન અને કેટરિંગ સેવાઓ ફરીથી બુક થતી ગઈ છે અને વેપારીઓમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. છેલ્લા કેટલાક મહિનાથી મીનારકના કારણે લગ્ન વ્યવસાયો, મ્યુઝિક બેન્ડ, હોલ અને ટૂરિઝમ સંબંધિત વ્યવસાયમાં મંદીનો માહોલ હતો. હવે પછી ધમાકેદાર શરૂઆતની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.