જાપાનમાં યોજાનારી વર્લ્ડ કરાટે સ્પર્ધામાં સુરેન્દ્રનગરના ચાર વિદ્યાર્થીઓ ભાગ લેશે
ગાંધીનગરઃ આજના યુગમાં યુવા પેઢી માટે સ્વરક્ષણ ખૂબ જ જરૂરી છે, અને કરાટે જેવી રમતો આ ક્ષેત્રે મહત્વની ભૂમિકા ભજવી શકે છે. સુરેન્દ્રનગરમાં વાડોકાઈ સુરેન્દ્રનગર જિલ્લા કરાટેના કોચ દીપકભાઈ ચોહાણ છેલ્લા 17 વર્ષથી શહેરની 25થી વધુ સ્કૂલોમાં કરાટેનું કોચિંગ આપી રહ્યા છે.
દીપક ચોહાણ વિદ્યાર્થીઓને માત્ર સ્વરક્ષણ જ નહીં, પરંતુ તેમનામાં રહેલી સુષુપ્ત પ્રતિભાને બહાર લાવવા અને આત્મવિશ્વાસ કેળવવા પર ભાર મૂકે છે. તેમનું માનવું છે કે કરાટે વિદ્યાર્થીઓના શારીરિક અને માનસિક વિકાસ માટે ખૂબ ફાયદાકારક છે.
તેમના પ્રયાસોથી સુરેન્દ્રનગરના ચાર વિદ્યાર્થીઓ - જેમાં ત્રણ છોકરા અને એક છોકરીનો સમાવેશ થાય છે - જાપાનમાં યોજાનારી વર્લ્ડ કરાટે સ્પર્ધા માટે પસંદ થયા છે. આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ અને સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લામાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે. વિદ્યાર્થીઓ પણ આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાના કૌશલ્યનું પ્રદર્શન કરવા માટે ખૂબ ઉત્સાહિત છે.