મધ્યપ્રદેશના એક જ પરિવારના ચાર સભ્યોએ કર્યો સામુહિક આપઘાત
ભોપાલઃ મધ્યપ્રદેશના સાગર જિલ્લામાં 45 વર્ષીય પુરુષ અને તેના બે કિશોર બાળકો સહિત એક પરિવારના ચાર સભ્યોએ ઝેરી ગોળીઓ ખાઈને આત્મહત્યા કરી હોવાનું કહેવાય છે. ખુરાઈ શહેરી પોલીસ સ્ટેશનના પ્રભારી યોગેન્દ્ર સિંહ ડાંગીએ જણાવ્યું હતું કે મૃતકોની ઓળખ મનોહર લોધી, તેમની પુત્રી શિવાની (ઉ.વ. 18) અને પુત્ર અંકિત (ઉ.વ. 16) અને તેમની દાદી ફૂલરાણી લોધી (ઉ.વ 70) તરીકે થઈ છે. તેમણે કહ્યું કે આ ઘટના સાગર જિલ્લા મુખ્યાલયથી લગભગ 12 કિમી દૂર તેહર ગામમાં બની હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે, ફૂલરાણી અને અંકિતનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું અને શિવાનીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. પોલીસ સ્ટેશનના પ્રભારીએ કહ્યું કે મનોહર લોધીને સાગર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા, પરંતુ તેમનું રસ્તામાં જ મૃત્યુ થયું હતું. ડાંગીએ કહ્યું કે આત્મહત્યા પાછળના કારણની તપાસ કરવામાં આવી રહી છે. તેમણે કહ્યું કે, મનોહર લોધીની પત્ની થોડા દિવસ પહેલા તેના મામાના ઘરે ગઈ હતી. આ દરમિયાન, પરિવારના સભ્ય નંદરામ સિંહ લોધીએ કહ્યું કે તેમણે તેમના ભાઈ મનોહરને સવારે 3 વાગ્યાની આસપાસ ઉલટી કરતા જોયા, ત્યારબાદ તેમણે તેમના પાડોશીને જાણ કરી અને એમ્બ્યુલન્સ બોલાવી હતી.
તેમણે કહ્યું કે એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધીમાં ફૂલરાણી અને અંકિતનું મૃત્યુ થઈ ગયું હતું. ખુરાઈ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ પરના ડૉ. વર્ષા કેશરવાનીએ જણાવ્યું હતું કે સલ્ફાસની ગોળીઓ ખાનારા ચાર લોકોને વહેલી સવારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. "તેમાંથી બેને મૃત લાવવામાં આવ્યા હતા," તેમણે કહ્યું. "છોકરી અને તેના પિતાની હાલત ગંભીર હોવાથી, તેમને સાગર જિલ્લા હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. છોકરીને હોસ્પિટલ લઈ જવામાં આવે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું, જ્યારે તેના પિતાએ એમ્બ્યુલન્સમાં જ દમ તોડી દીધો," તેમ કેશરવાનીએ જણાવ્યું હતું.