અમેરિકામાં માર્ગ અકસ્માતમાં ભારતીય પરિવારના ચાર સભ્યોના મોત
અમેરિકામાં કાર અકસ્માતમાં ચાર ભારતીય નાગરિકોના મોત થયા છે. બધા લોકો એક જ પરિવારના સભ્યો હતા, જે હૈદરાબાદના રહેવાસી હતા. તેમની કારને એક મીની ટ્રકે આગળથી ટક્કર મારી હતી, જેમાં ચારેયના મોત થયા હતા. મૃતકોની ઓળખ વેંકટ બેજુગમ, તેમની પત્ની તેજસ્વિની ચોલેટ્ટી અને તેમના બે બાળકો સિદ્ધાર્થ અને મૃદા બેજુગમ તરીકે થઈ છે. મૂળ આ પરિવાર સિકંદરાબાદના સુચિત્રા વિસ્તારનો હતો. યુએસએમાં, આ પરિવાર ડલ્લાસ નજીક ઓબ્રેના સટન ફિલ્ડ્સ વિસ્તારમાં રહેતો હતો.
વેંકટ બેજુગમ એટલાન્ટામાં તેના સંબંધીઓને મળ્યા પછી તેની પત્ની અને બાળકો સાથે ડલ્લાસ પરત ફરી રહ્યા હતા આ દરમિયાન તેઓ અકસ્માતનો ભોગ બન્યા. અહેવાલો અનુસાર, આ અકસ્માત ત્યારે થયો જ્યારે એક મીની ટ્રક ખોટી લેનમાં કથિત રીતે ખૂબ જ ઝડપે જઈ રહી હતી અને આ દરમિયાન તે સામેથી આવતી કાર સાથે અથડાઈ. જોરદાર ટક્કર બાદ કારમાં આગ લાગી ગઈ.
આ અકસ્માતમાં કાર સંપૂર્ણપણે નાશ પામી હતી અને આગ લાગવાથી તે સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગઈ હતી. આ દરમિયાન, પરિવાર કારમાંથી બહાર નીકળી શક્યો ન હતો અને બધા જીવતા બળી ગયા હતા. દુ:ખદ અકસ્માતમાં તેમના મૃત્યુ પછી, તેમના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે ભારત લાવવામાં આવશે. હાલમાં, 'ટીમ એઇડ' નામની એક બિન-લાભકારી સંસ્થા મૃતકોના પરિવાર અને મિત્રો સાથે સંકલન કરી રહી છે. આ સંસ્થા મુશ્કેલીમાં મુકાયેલા સ્થળાંતર કરનારાઓને મદદ કરે છે અને મૃતકોના મૃતદેહોને તેમના દેશમાં મોકલવામાં મદદ કરે છે.
'ટીમ એઇડ'ના એક સભ્યએ જણાવ્યું હતું કે, "મૃતકોના મૃતદેહોને અંતિમ સંસ્કાર માટે હૈદરાબાદ પાછા લાવવામાં આવશે. ઓળખની પુષ્ટિ કરવા માટે ડીએનએ પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે અને એકવાર આ પ્રક્રિયા પૂર્ણ થઈ જાય, પછી મૃતદેહો તેમના સંબંધીઓને સોંપવામાં આવશે." યુએસ અધિકારીઓ હાલમાં ઓળખ સંબંધિત ઔપચારિકતાઓ પૂર્ણ કરી રહ્યા છે અને મૃતદેહો મોકલી રહ્યા છે.