મહેસાણામાં હનીટ્રેપમાં ફસાવીને નાણા પડાવતી ગેંગના ચાર સભ્યો ઝડપાયાં
ગાંધીનગરઃ મહેસાણામાં ખાનગી કંપનીના મેનેજર અને મિત્રને હનીટ્રેપમાં ફસાવી 8 લાખ પડાવનારી ગેંગને પોલીસે ઝડપી લીધી હતી. ગેંગની મુખ્ય સૂત્રધાર મનાતી મીનાબેન જશવંતભાઈ રાવળએ ચા પીવાના બહાને ઓઇલ કંપનીના મેનેજર અને તેમન મિત્રને દીકરીના અવધુત રો હાઉસ ખાતે આવેલા તેજલ રાવળના ઘરે બોલાવી પોતાની ગેંગ સાથે મળી હનીટ્રેપને અંજામ આપ્યો હતો. 4 ફેબ્રુઆરીમાં દુષ્કર્મના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી લાખોની રકમ પડાવી લીધી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, મહેસાણામાં કામ કરતી ઓઇલ કંપનીના મેનેજર ફેબ્રુઆરી મહિનામાં પિલાજીગંજ વિસ્તારમાં મિત્રને મળવા આવ્યા હતા. જ્યાં તેમના મિત્રની પરિચિત મહિલા મીનાબેનનો ફોન આવતાં તેઓ માનવ આશ્રમ ચાર રસ્તા મળવા માટે ગયા હતા. ત્યાર બાદ ત્યાંથી સાઈબાબા મંદિરે દર્શન કરવા જવાના હોવાથી પરિચિત મહિલાએ તેમને બંનેને મંદિરની નજીક જ આવેલી સોસાયટીમાં પોતાના ઘરે ચા પીવા આમંત્રણ આપ્યું હતું. દર્શન કર્યા બાદ બંને મિત્રો મહિલાના ઘરે ગયા હતા. જ્યાં તેજલ રાવળ, મીનાબેન રાવળ, કિંજલ વાઘેલા, ધર્મેશ પંડ્યા, વિક્રમ પટેલ અને ઠાકોર પ્રફુલ્લ સવાજીએ હનીટ્રેપને અંજામ આપ્યો હતો. તે સમયે 8 લાખ રોકડ અને 1 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરીને 9 લાખ જેટલી રકમ પડાવી લીધી હતી. ત્યારબાદ ફરીથી 20 લાખની માંગ કરતા મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ આરંભી હતી. પોલીસે પ્રફુલ્લ સિવાયના તમામ આરોપીને ઝડપી લીધા હતા. જ્યારે પ્રફુલ્લને ઝડપી લેવા માટે પોલીસે તપાસ આરંભી છે. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા છે.