ગુજરાતમાં ઠંડીનું આગમન: અમદાવાદમાં સીઝનમાં પહેલીવાર 17 ડિગ્રી તાપમાન નોંધાયું
અમદાવાદ: રાજ્યમાં કમોસમી વરસાદે વિદાય લીધી છે અને હવે શિયાળાની ઋતુ સત્તાવાર રીતે શરુ થઇ ગઈ છે. છેલ્લા ચાર દિવસથી વાતાવરણમાં ઠંડકનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. ખાસ કરીને રાત્રે અને વહેલી સવારે ઠંડીનો માહોલ સર્જાયો છે. અમદાવાદમાં સીઝનનું સૌથી ઓછું 17 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે નલિયા 16.2 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું.
ગુજરાતના અન્ય શહેરોની વાત કરીએ તો ગાંધીનગરમાં 16.5 ડિગ્રી, ડીસામાં 16.3, વડોદરા અને અમરેલીમાં 16.6, રાજકોટમાં 18.5, સુરતમાં 19.8 અને દીવમાં 20.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ રાજ્યમાં સરેરાશ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે.
હવામાન વિભાગે આગાહી કરી છે કે રાતથી રાજ્યમાં ઠંડીનું જોર વધુ વધશે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ તરફથી પવન ફૂંકાતા તાપમાનમાં વધુ ઘટાડો થશે. ઠંડા પવનના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન ઘટશે, જેના કારણે લોકો ઠંડીનો ચમકારો વધુ અનુભવી શકશે.
છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું હતું, પરંતુ હવે વરસાદી સિસ્ટમ દૂર થતાં હવામાન સ્થિર અને સૂકું બન્યું છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે આગામી દિવસોમાં ઠંડીનો ચમકારો વધશે અને રવિ પાક માટે હવામાન અનુકૂળ બનશે.
ઉત્તર ભારતના હિમવર્ષા અને ઠંડા પવનોના પ્રભાવથી ગુજરાતમાં રાત્રિના તેમજ વહેલી સવારના સમયે શિયાળાની ઠંડી વધુ અનુભવી શકાશે, જ્યારે દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ઘટવાથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.