મણિપુરમાં ચાર ઉગ્રવાદીઓની ધરપકડ, આધુનિક હથિયારોનો મોટો જથ્થો જપ્ત કરાયો
નવી દિલ્હીઃ મણિપુર પોલીસે ઉગ્રવાદી સંગઠનો સાથે સંકળાયેલા ચાર ઉગ્રવાદીઓને ઝડપી લેવામાં છે. પોલીસે જણાવ્યું કે આ ઉગ્રવાદીઓ હથિયારોની તસ્કરીમાં સંકળાયેલા હતા. તેમની પાસેથી આધુનિક હથિયારોનો મોટો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ, ધરપકડ કરાયેલા બે ઉગ્રવાદીઓ મૈતેાઈ જૂથ આરામબાઈ ટેંગોલ (AT) સાથે જોડાયેલા છે. તેમની પાસેથી કુલ 11 અત્યાધુનિક હથિયારો જપ્ત થયા છે. પોલીસએ જણાવ્યું કે આરામબાઈ ટેંગોલના બંને સભ્યોને ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં ઝડપી લેવામાં આવ્યા હતા. તેમના પર હથિયારોની તસ્કરી અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ચલાવવાનો આરોપ છે. જપ્ત કરાયેલા હથિયારોમાં સાત HK-33 રાઈફલો, બે M4A1 કાર્બાઇન, બે પિસ્તોલ, વિવિધ પ્રકારની 40 ખાલી મેગેઝિન અને 45 કેલિબરના 100 કારતૂસનો સમાવેશ થાય છે.
સુરક્ષા દળો દ્વારા ધરપકડ કરાયેલા બંને ઉગ્રવાદીઓની ઓળખલેશરામ ટોંડોમ્બા સિંહ (ઉ.વ. 27) અને તોરાંગબામ અમરજીત મૈતેાઈ (ઉ.વ. 20) તરીકે થઈ છે. બંને થૌબલ જિલ્લાના લામડિંગ મામંગ લેઇકાઈ ગામના રહેવાસી છે. પોલીસે તેમને અદાલતમાં રજુ કર્યા બાદ નવ દિવસની પોલીસ રિમાન્ડમાં મોકલી દીધા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કુકી જૂથોએ આરામબાઈ ટેંગોલ પર રાજ્યમાં ચાલી રહેલી જાતીય હિંસામાં વ્યાપક રીતે સામેલ હોવાનો આરોપ લગાવ્યો છે.