સુરતમાં એક કલાકમાં સાડા ચાર ઈંચ વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાયા
- સુરતમાં રાતે અસહ્ય ગરમી બાદ સવારે વરસાદ તૂટી પડ્યો,
- શહેરના પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, અડાજણમાં પણ ધોધમાર વરસાદ પડ્યો,
- વરસાદને લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ
સુરતઃ ગુજરાતમાં મેઘરાજા વિદાય લઈ રહ્યા છે, ત્યારે સુરતમાં આજે સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો છે. શહેરના લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ અને 3 કલાકમાં છ ઇંચ વરસાદ ખાબકતા જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું હતું. આ ઉપરાંત શહેરના પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ પડતા રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના રાજુનગર પોલીસ ચોકીની સામે આવેલા આશાનગરમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. તો અનેક વિસ્તારોમાં ગોઠણસમા પાણી ભરાયા છે.
સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, ગત રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ આજે વહેલી સવારથી જ શરૂ થયેલા ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા અને વિઝિબિલિટી (દૃશ્યતા)માં પણ ઘટાડો થયો હતો, જેના કારણે વાહનચાલકોને અવરજવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અનેક વાહનચાલકોને વરસાદ બંધ થાય ત્યાં સુધી રસ્તાની બાજુમાં થોભી જવાની ફરજ પડી હતી. શહેરના લિંબાયત વિસ્તારમાં તો મેઘરાજાએ રીતસરનું રૌદ્ર સ્વરૂપ બતાવ્યું હતું, જ્યાં માત્ર એક કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત શહેરના પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહન-વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.
વરસાદી પાણીના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નોકરી-ધંધા પર જતા લોકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. જોકે, એક તરફ જ્યાં વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી હતી, ત્યાં બીજી તરફ શહેરીજનોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. મ્યુનિ દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.