ઉપરવાસમાં ભારે વરસાદને લીધે બનાસનદીમાં પૂરની સ્થિતિ, ખેડૂતોમાં ખૂશીની લહેર
- દાંતીવાડા ડેમની જળ સપાટી 75 ફૂટે પહોંચી,
- નદીકાંઠાના ગામડાંને સાવચેત કરાયા,
- અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો,
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લામાં ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે બનાસ નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે. બનાસનદી નદી બેકાંઠે વહી રહી છે. અને જળસ્તર વધી રહ્યું હોવાથી નદીકાંઠા વિસ્તારના ગામોને સાવચેત રહેવા રહેવા સુચના આપવામાં આવી છે. બનાસ નદીમાં પૂરને લીધે દાંતીવાડા ડેમની જળ સપાટી 579.75 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. વિશ્વેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતાં અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે.
બનાસનદીના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે બનાસ નદીમાં મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ રહી છે. નદી બે કાંઠે વહેતી થતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા નદીકાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. વિશ્વેશ્વર નજીક બનાસ નદીમાં પાણીનું સ્તર વધતાં અમીરગઢ પોલીસે નદી કિનારે સુરક્ષા બંદોબસ્ત ગોઠવ્યો છે. આ પરિસ્થિતિમાં દાંતીવાડા ડેમમાં પણ પાણીની સારી આવક નોંધાઈ રહી છે. અમીરગઢ અને ઇકબાલગઢ વિસ્તારમાં બનાસ નદીમાં પાણીની આવક વધતાં સ્થાનિક ખેડૂતોમાં આનંદનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. આ પહેલા પણ ઉપરવાસમાં વરસાદ થવાથી નદી બે કાંઠે વહેતી થઈ હતી. નદીમાં પાણીની આવક વધવાથી દાંતીવાડા ડેમની સપાટીમાં વધારો થયો છે. બનાસ નદીમાં નવા નીર આવવાથી આ વિસ્તારના ખેડૂતોના બોર અને કૂવાના પાણીના તળ ઊંચા આવશે, જે ખેતી માટે લાભદાયક સાબિત થશે.
હાલમાં દાંતીવાડા ડેમની જળ સપાટી 579.75 ફૂટે પહોંચી છે. ડેમની ભયજનક સપાટી 604 ફૂટ છે. વર્તમાન સમયે ડેમમાં 3590 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. દાંતીવાડા ડેમમાં થઈ રહેલી પાણીની આવકથી બનાસકાંઠાના ડીસા વિસ્તાર અને પાટણ તાલુકાના અનેક ગામોના ખેડૂતોને લાભ થશે. આ પાણીથી ખેતીવાડી માટે સિંચાઈની સુવિધા ઉપલબ્ધ થશે.