ભાવનગરથી મુંબઈ અને દિલ્હી તેમજ પુના માટે વિમાની સેવા શરૂ કરાશે
- મુંબઇ અને પુનાની ફ્લાઇટ પુન: ઓક્ટોબર મહિનાથી શરૂ થશે,
- મુંબઇ માટે સવાર-સાંજની બે ફ્લાઇટ શરૂ થશે, સવારની ફ્લાઇટ વહેલી હશે,
- હાલમાં ભાવનગરથી માત્ર સુરતની એર કનેક્ટીવીટી છે
ભાવનગરઃ શહેરના એરપોર્ટ પરથી મુંબઈ સહિત વિમાની સેવા અગાઉ શરૂ કરવામાં આવી હતી. અને પુરતો ટ્રાફિક પણ મળતો હતો. પણ કોઈ ટેકનિકલ કારણોને લીધે વિમાની સેવા બંધ કરવામાં આવી હતી. હાલ માત્ર ભાવનગર-સુરત વચ્ચેની વિમાની સેવા શરૂ છે. ત્યારે મુંબઈ, દિલ્હી સહિતની ફ્લાઈટ શરૂ કરવા ચેમ્બર દ્વારા માગણી કરવામાં આવતા બંધ થયેલી મુંબઇ અને પુનાની ફ્લાઇટ પુન: ઓક્ટોબર મહિનાથી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેનું બુકીંગ સંભવત સપ્ટેમ્બર મહિનાથી જ શરૂ થઇ જશે.
ભાવનગરથી પુના મુંબઇ-ભાવનગર સ્પાઇસ જેટની વિમાની સેવા રાજ્ય સરકારની ઉડાન યોજના બંધ થતા વિમાની કંપનીએ બંધ કરી હતી. વિમાની સેવા બંધ થતા ચેમ્બર ઓફ કોમર્સની આગેવાનીમાં ભાવનગરના વિવિધ એસો.નું પ્રતિનિધિ મંડળ દિલ્હી ગયું હતું અને ભાવનગરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી નિમુબેનને સાથે રાખી ઉડ્યન મંત્રીને પણ રજુઆત કરી હતી. રવિવારે ભાવનગર આવેલા કેન્દ્રિય મંત્રી નિમુબેન બાંભણીયાએ જણાવ્યું હતું કે, ઇન્ડિગો કંપની દ્વારા ભાવનગરની વિમાની સેવા પૂર્વવત કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ટૂંક સમયમાં આ અંગેનું પરિણામ મળશે.
એરપોર્ટ સુત્રોના કહેવા મુજબ ભાવનગરથી મુંબઈ, દિલ્હી, અને સુરત સહિતના શહેરો માટે વિમાની સેવા ઓક્ટોબર મહિનામાં શરૂ થશે જેનું બુકીંગ સપ્ટેમ્બર મહિનાથી ચાલુ થશે. ઇન્ડિગો કંપનીએ આ અંગે સર્વે પણ કર્યો છે અને ટૂંક સમયમાં આ અંગેની સત્તાવાર જાહેરાત પણ કરવામાં આવશે. મુંબઇ માટે સવાર-સાંજની બે ફ્લાઇટ શરૂ થશે. સવારની ફ્લાઇટ વહેલી હશે અને નવ વાગ્યા પહેલા મુંબઇ પહોંચી જશે. પુના અને દિલ્હીની ફ્લાઇટ પણ ઇન્ડિગો દ્વારા જ શરૂ કરાશે. મુંબઇની ફ્લાઇટ નવી મુંબઇના એરપોર્ટ પર ઉતરશે પણ સવાર સાંજની ફ્લાઇટ હોવાથી લોકો કામ પૂર્ણ કરી સાંજે પરત ભાવનગર ફરી શકશે. હાલમાં ભાવનગરથી માત્ર સુરતની એર કનેક્ટીવીટી છે તેને બદલે એર કનેક્ટીવીટીમાં વધારો થશે.