અમેરિકાના ન્યૂયોર્કમાં અંધાધૂંધ ગોળીબારમાં પોલીસ કર્મચારી સહિત પાંચના મોત
ન્યૂયોર્કના મિડટાઉન મેનહટનમાં એક ઓફિસ બિલ્ડિંગમાં ગોળીબારમાં ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા હતા, જેમાં એક ઑફ ડ્યુટી પોલીસ અધિકારીનો પણ સમાવેશ થાય છે. પોલીસના જણાવ્યા અનુસાર, હુમલાખોરની ઓળખ શેન તામુરા તરીકે થઈ છે, જે નેવાડાનો રહેવાસી હતો. આ ઘટના બાદ તેણે પોતાને પણ ગોળી મારીને જીવન ટુંકાવ્યું હતું. તેની પાસેથી લાસ વેગાસ ગન લાઇસન્સ મળી આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આ ઘટના પાર્ક એવન્યુ પર સ્થિત એક હાઇ-પ્રોફાઇલ ઓફિસ બિલ્ડિંગમાં સાંજે 6:30 વાગ્યાની આસપાસ બની હતી, જ્યાં ઘણી મોટી નાણાકીય કંપનીઓ અને નેશનલ ફૂટબોલ લીગ (NFL) ની ઓફિસો છે. આ કેસમાં પ્રત્યક્ષદર્શી તરીકે તે બિલ્ડિંગના બીજા માળે પ્રેઝન્ટેશન આપી રહેલી જેસિકા ચેને કહ્યું કે, તેણે પહેલા માળેથી એક પછી એક અનેક ગોળીઓનો અવાજ સાંભળ્યો હતો. ત્યાં હાજર લોકો કોન્ફરન્સ રૂમમાં છુપાઈ ગયા અને દરવાજા બંધ કરી દીધા હતા.
ન્યૂયોર્કના મેયર એરિક એડમ્સે કહ્યું કે આ કેસમાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો જાહેર કર્યો અને બિલ્ડિંગની અંદર હાજર લોકોને ત્યાં જ રહેવા અપીલ કરી કારણ કે, પોલીસ ફ્લોર-બાય-ફ્લોર સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. તેમણે એમ પણ કહ્યું કે તેઓ હોસ્પિટલ જશે અને પીડિતોના પરિવારોને મળશે.
સ્થાનિક ટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું હતું કે લોકોને હાથ ઊંચા કરીને બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવી રહ્યા હતા. બ્લેકસ્ટોન કંપની અને આયર્લેન્ડનું દૂતાવાસ પણ બિલ્ડિંગમાં સ્થિત છે. તે જ સમયે, જ્યારે નજીકની બિલ્ડિંગના કર્મચારીઓ જમવા માટે બહાર આવ્યા, ત્યારે ગોળીબાર અને અંધાધૂંધીનો અવાજ સાંભળીને તેઓ ઓફિસમાં પાછા ગયા અને લગભગ બે કલાક સુધી ત્યાં જ બંધ રહ્યા.