ભારતના નકશાના નિર્માણમાં સરદાર પટેલની ભૂમિકા અદ્વિતીય હતી: અમિત શાહ
નવી દિલ્હી: લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજીની 150મી જન્મજયંતિ નિમિત્તે દેશના વિવિધ વિસ્તારોમાં વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ જ ક્રમમાં રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે ‘એકતા દોડ’નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના તથા દિલ્હી ની મુખ્યમંત્રી રેખા ગુપ્તા સહિત અનેક અગ્રણીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે ઉપસ્થિત નેતાઓ તથા ‘એકતા દોડ’માં ભાગ લેનાર સૌને રાષ્ટ્રીય એકતાના શપથ લેવડાવ્યા હતા. ત્યારબાદ તેમણે ‘એકતા દોડ’ને લીલી ઝંડી બતાવીને પ્રારંભ કરાવ્યો હતો.
અમિત શાહે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે આજનો દિવસ સમગ્ર દેશવાસીઓ માટે વિશેષ છે. તેમણે કહ્યું, “સરદાર પટેલના સન્માનમાં અમે 2014થી દર વર્ષે ‘એકતા દોડ’નું આયોજન કરીએ છીએ, આ વર્ષે તેમની 150મી જન્મજયંતિ હોવાથી તેને વિશેષ રૂપે દેશભરમાં ઉજવવામાં આવી રહી છે.”
ગૃહ પ્રધાને કહ્યું કે, “આઝાદી આંદોલન તથા સ્વતંત્રતા બાદના ભારતના નકશાના નિર્માણમાં સરદાર પટેલનું યોગદાન અત્યંત મહત્વપૂર્ણ હતું. તેમણે બેરિસ્ટર તરીકેની સફળ પ્રેક્ટિસ છોડી, મહાત્મા ગાંધીના આહ્વાન પર આઝાદી આંદોલનમાં જોડાયા હતા.”
તેમણે ઉમેર્યું કે સરદાર પટેલની નેતૃત્વ ક્ષમતા સૌપ્રથમ 1928ના બારડોલી સત્યાગ્રહ દરમ્યાન ઝળકી હતી, જ્યારે ખેડૂતો પર થયેલા અન્યાય સામે તેમણે આંદોલન શરૂ કર્યું હતું, “બધાને લાગતું હતું કે અંગ્રેજો કદી ન ઝૂકે, પરંતુ સરદારના નેતૃત્વમાં ખેડૂતોના આંદોલને આખા દેશમાં નવુ સ્વરૂપ ધારણ કર્યું અને અંતે અંગ્રેજ સરકારને ખેડૂતોની માગણીઓ સ્વીકારવી પડી હતી.”
ગૃહ પ્રધાને કહ્યું કે, આ જ આંદોલન બાદ મહાત્મા ગાંધીજીએ વલ્લભભાઈ પટેલને ‘સરદાર’ની ઉપાધિ આપી હતી, અને ત્યારથી તેઓ સરદાર વલ્લભભાઈ પટેલ તરીકે ઓળખાયા હતા. અમિત શાહે વધુમાં જણાવ્યું કે, “આઝાદી બાદ અંગ્રેજોએ ભારતને 562 નાની-મોટી રિયાસતોમાં વહેંચી દીધું હતું, તે સમયે સૌને ચિંતા હતી કે આટલી રિયાસતો વચ્ચે અખંડ ભારત કેવી રીતે બની શકે? પરંતુ સરદાર પટેલના અદમ્ય સંકલ્પ અને રાજકીય દક્ષતાના કારણે ખૂબ જ ઓછા સમયમાં તમામ રિયાસતોને એકતામાં બાંધવામાં આવી અને આજના ભારતનો નકશો તૈયાર થયો હતો.”
ગૃહ પ્રધાને આ પ્રસંગે જણાવ્યું કે, “કોંગ્રેસ સરકારો સરદાર પટેલને યોગ્ય સન્માન આપી શકી નથી, તેમને ભારત રત્ન આપતા પણ 41 વર્ષનો વિલંબ થયો હતો. દેશમાં ક્યાંય તેમના નામે કોઈ સ્મારક નહોતું, જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા, ત્યારે તેમણે ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ની કલ્પના કરી અને સરદાર પટેલના સન્માનમાં વિશ્વનું સર્વોચ્ચ સ્મારક ઊભું કર્યું હતું.” અમિત શાહે ઉમેર્યું કે, “અનુચ્છેદ 370 દૂર કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કાશ્મીરને ભારત સાથે એકીકૃત કરવાની સરદાર પટેલની અધૂરી ઈચ્છા પૂર્ણ કરી છે.”
દિલ્હીમાં સરદાર પટેલની જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ સભાનું પણ આયોજન થયું હતું. આ સભામાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ઉપરાજ્યપાલ વી.કે. સક્સેના અને મુખ્યમંત્રી રેખા ગુપ્તા ઉપસ્થિત રહ્યા હતા. તમામ મહાનુભાવોએ સરદાર વલ્લભભાઈ પટેલને પુષ્પાંજલિ અર્પિત કરી અને તેમના અવિસ્મરણીય યોગદાનને સ્મરણ કર્યું હતું.
 
  
  
  
  
  
 