વડોદરામાં જનમહેલના બસસ્ટેન્ડ નજીક પાર્ક કરેલી સિટીબસમાં લાગી આગ
- બસમાં પ્રવાસીઓ ન હોવાથી મોટી દૂર્ઘટના ટળી
- બસ પરથી વીજ વાયર પસાર થયો હોવાથી સ્પાર્કને લીધે આગ લાગ્યાનું અનુમાન
- વડોદરામાં એક જ દિવસમાં આગના 9 બનાવો બન્યા
વડોદરાઃ ભર ઉનાળે શહેરમાં આગ લાગવાના બનાવો વધી રહ્યા છે. ત્યારે પાર્ક કરેલી સિટીબસમાં આકસ્મિક આગ લાગવાનો બનાવ બન્યો હતો. શહેરના રેલવે સ્ટેશન પાસે આવેલા જનમહેલના બસ સ્ટેશનમાં સ્પેરમાં પડેલી સિટી બસમાં એકાએક આગ લાગી હતી. બસમાં ગરમીને કારણે હીટ પકડતા આગ લાગી હોવાનુ કહેવાય છે. સદ નસીબે બસમાં કોઇ પ્રવાસીઓ ન હતા. આગ લાગ્યાની જાણ કરાતા ફાયર બ્રિગેડની બે ટીમે સ્થળ પર પહોંચી આગ બુઝાવી દીધી હતી..
આ બનાવની વિગતો એવી છે કે, વડોદરા શહેરના જનમહેલ બસ સ્ટેશન પર ગત રાત્રે 8-30 કલાકે કાર્તિક સ્વામી મંદિર પાસે પાર્ક કરેલી સિટી બસમાં આગ લાગી હતી. આગ લાગ્યની જાણ થતાં લોકોએ મંદિરમાંથી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જોકે આગ વિકરાળ હોવાથી ફાયરબ્રિગેડને જાણ કરતા ફાયરની બે ગાડી સાથે ફાયટરો દોડી આવ્યા હતા. અને સતત અડધો કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો.
આ આગના બનાવમાં પ્રાથમિક તબક્કે જનમહેલની ઉપરથી પસાર થતો વીજ વાયર બસ પર પડતાં સ્પાર્ક થયો અને આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. આ અંગે સીટી બસ ચલાવતી વિનાયક સર્વીસના મેનેજરના જણાવ્યા મુજબ બસ 15 મિનિટ પહેલા જ એપીએમસી રૂટ પરથી આવી હતી. ડ્રાઇવરે બસને પાર્ક કરી હતી. ગરમીના કારણે બસની અંદરની તરફથી હીટ પકડતા આગ લાગી હોય તેમ લાગી રહ્યું છે. બસમાં કોઇ મુસાફર બેઠેલા ન હતા. એટલે કોઇને ઇજા થઇ ન હતી.
ફાયરબ્રિગેડના સૂત્રોના કહેવા મુજબ શહેરમાં અસહ્ય ગરમીને લીધે આગના બનાવો વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં નાના-મોટા આગના 9 કોલ મળ્યા છે. જેમાં સેન્ટિંગના તંબુમાં આગ, જંબુસર જીઆઈડીસી,શોર્ટસાર્કિટ, મકરપુરા લાકડાંના પીઠામાં આગ, ભાયલી કચરામાં આગ સાથે રેલ્વે સ્ટેશન વિસ્તારમાં કચરાની ગાડીમાં આગ સાથે દેણા ચોકડી પાસે ટ્રક સળગવાનો કોલ મળ્યો હતો.