ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોની લડત ઉગ્ર બની, પોલીસ સાથે ઘર્ષણમાં બેને ઈજા
- શાળાઓમાં વ્યાયમ શિક્ષકોની ભરતી ન કરાતા ઉમેદવારોને વિરોધ ઉગ્ર બન્યો
- પોલીસે સત્યાગૃહ છાવણીથી ઉમેદવારોને બળજબરીથી પોલીસ વાનમાં બેસાડ્યા
- સરકાર કાયમી ભરતી કરવાને બદલે કરારથી ભરતી કરે છે
ગાંધીનગરઃ ગુજરાતમાં શાળાઓમાં છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી. શારિરીક શિક્ષણના પદવીધારક વિદ્યાર્થીઓ વર્ષોથી વ્યાયામ શિક્ષકોની ભરતીની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સરકાર કાયમી ભરતી કરવાને બદલે 11 મહિનાના કરાર આધારિત ભરતી કરી રહી છે, તેથી કાયમી ભરતી કરવાની માગ સાથે છેલ્લા કટલાક દિવસથી ગાંધીનગરમાં વ્યાયામ શિક્ષકોના ઉમેદવારોએ સરકાર સામે ગાંધીચિંધ્યા માર્ગે લડત કરી રહ્યા છે. દરમિયાન આજે ગાંધીનગર સત્યાગૃહ છાવણી ખાતે ઉમેદવારોએ વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાથે ઘર્ષણ થયુ હતું. જેમાં બે ઉમેદવારોને ઈજાઓ થઈ હતી. પોલીસે બળજબરીથી ઉમેદવારોને પોલીસ વાનમાં બેસાડીને અટકાયત કરી હતી.
ગુજરાત રાજ્યના વ્યાયામ શિક્ષકોએ સરકારની ખેલ સહાયક યોજનાનો વિરોધ કરવા ગાંધીનગરની સત્યાગ્રહ છાવણી ખાતે લડતના મંડાણ કર્યા છે. છેલ્લા પંદર વર્ષથી વ્યાયામ શિક્ષકોની ભરતી ન થવાના મુદ્દે શિક્ષકોએ ગઈકાલની જેમ આજે પણ યોગ અને અંગકસરત કરીને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. જોકે, પોલીસ સાથે ઘર્ષણ થતાં બે શિક્ષકોને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા છે અને પોલીસે પ્રદર્શન કરી રહેલા ઉમેદવારોને ખેંચી ખેંચીને વાનમાં બેસાડ્યાં હતા.
વ્યાયમ શિક્ષક ઉમેદવારોની મુખ્ય માગણી કાયમી ભરતી અંગેની છે. સરકારે ખેલ સહાયક યોજના અમલમાં મૂકી છે, પરંતુ ઉમેદવારો આ યોજનાથી નારાજ છે. 11 માસના કરાર આધારિત આ યોજનામાં અનેક સમસ્યાઓ છે. રજાના નિયમો અસ્પષ્ટ છે. વેકેશનની ગણતરી અંગે કોઈ સ્પષ્ટતા નથી. શિક્ષકોને કોઈ લેખિત જાણ કર્યા વગર છૂટા કરી દેવામાં આવે છે. વધુમાં, પગાર ચુકવણીમાં પણ અનિયમિતતા જોવા મળે છે. કેટલાક જિલ્લાઓમાં પૂરો પગાર મળે છે, જ્યારે કેટલાક જિલ્લાઓમાં પગાર જ ચૂકવવામાં આવતો નથી. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે છૂટા કરવાનો સત્તાવાર પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, પરંતુ પ્રાથમિક વિભાગ માટે કોઈ પરિપત્ર જારી કરવામાં આવ્યો નથી.