For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

ગુજરાતઃ નવરાત્રીમાં પોલીસને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવા ડીજીપીનો નિર્દેશ

09:00 PM Sep 22, 2025 IST | revoi editor
ગુજરાતઃ નવરાત્રીમાં પોલીસને સંવેદનશીલ વિસ્તારમાં પેટ્રોલીંગ વધારવા ડીજીપીનો નિર્દેશ
Advertisement

ગાંધીનગરઃ નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનર, જિલ્લા પોલીસ વડા અને રેન્જ વડા સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે સૂચના આપી છે.

Advertisement

કાયદો અને વ્યવસ્થાઃ નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને મજબૂત વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે, ૧૬ વધારાની એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે.

મહિલા સુરક્ષાઃ મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શી ટીમને સક્રિય કરવામાં આવી છે. આ ટીમના મહિલા પોલીસકર્મીઓ ગરબા ગ્રાઉન્ડ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ વોચ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે.

Advertisement

ટ્રાફિક મેનેજમેન્ટઃ નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે સતત એલર્ટ રહેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધારાનો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. આ ટીમો ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરશે જેથી વાહનચાલકો અને રાહદારીઓને કોઈ અગવડ ન પડે.

પોલીસ રિસ્પોન્સ અને વર્તનઃ તહેવારોના સમયમાં મોડી રાત્રે પણ નાગરિકોની અવરજવર વધુ રહે છે, ત્યારે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક રહેશે. કોઈ ઘટના બને તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે ક્વિક રિસ્પોન્સ માટે સજ્જ રહેવા તમામ પોલીસ કંટ્રોલ રૂમમાં સૂચનાઓ આપવા જણાવ્યું છે. એટલું જ નહીં, સિનિયર પોલીસ અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ, નાગરિકો સાથે પોલીસનું વર્તન સુયોગ્ય રહે અને તેઓ સુરક્ષિત અનુભવે તે માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement