તંદુરસ્ત જીવનશૈલી અપનાવીને ફેટી લીવરની સમસ્યાને અટકાવી શકાય : જે.પી નડ્ડા
નવી દિલ્હીઃ વિશ્વ લીવર દિવસ 2025ની ઉજવણીમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જગત પ્રકાશ નડ્ડાએ આજે નિર્માણ ભવનમાં મંત્રાલય દ્વારા આયોજિત સ્વાસ્થ્ય શિબિરમાં "લીવર સ્વાસ્થ્ય શપથ સમારંભ"નું નેતૃત્વ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ રાજ્યમંત્રી અનુપ્રિયા પટેલ, કેન્દ્રીય આરોગ્ય સચિવ સુશ્રી પુણ્ય સલિલા શ્રીવાસ્તવ, આરોગ્ય સેવાઓના મહાનિદેશક પ્રોફેસર (ડો.) અતુલ ગોયલ, ઇન્સ્ટિટ્યૂટ ઓફ લીવર એન્ડ બિલિયરી સાયન્સીસના ડિરેક્ટર પ્રોફેસર (ડો.) એસ.કે.સરીન, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (FSSAI)ના સીઇઓ જી. કમલા વર્ધન રાવ પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ વર્ષના વિશ્વ લીવર દિવસની થીમ "ફૂડ ઇઝ મેડિસિન" – પોષણ અને લીવરના આરોગ્ય વચ્ચેના મહત્ત્વના જોડાણ પર ભાર મૂકે છે. આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, "આપણે સૌ જાણીએ છીએ કે, લીવર એ આપણા શરીરના સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે જે પાચન, ડિટોક્સિફિકેશન અને ઊર્જા સંગ્રહ જેવા આવશ્યક કાર્યો કરે છે. જો લીવર તંદુરસ્ત ન હોય તો આખું શરીર પીડાય છે."
લીવરના સ્વાસ્થ્યના મહત્વ પર ભાર મૂકતા નડ્ડાએ કહ્યું, "ફેટી લીવર માત્ર લીવરના કાર્યને અસર કરતું નથી પણ હૃદય રોગ, ડાયાબિટીસ, હાયપરટેન્શન અને કેન્સરનું જોખમ પણ નોંધપાત્ર રીતે વધારે છે." તેમણે એમ પણ ઉમેર્યું, "સારા સમાચાર એ છે કે ફેટી લીવરને સ્વસ્થ જીવનશૈલી અને સ્વસ્થ ખોરાકની આદતો અપનાવીને અટકાવી શકાય છે અને મોટાભાગે ઉલટાવી શકાય તેવું છે."
તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે "તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ "મન કી બાત"માં તેમના સંબોધન દરમિયાન દેશને રસોઈમાં તેલનો ઉપયોગ ઓછામાં ઓછો 10% ઘટાડવાની અપીલ કરી હતી. આ નાનું પણ શક્તિશાળી પગલું દેશમાં લીવરના સ્વાસ્થ્યને વધુ સારું બનાવવા અને બિન-ચેપી રોગો (NCDs)ના ભારણને ઘટાડવામાં ઘણી મદદ કરી શકે છે." નડ્ડાએ દરેકને "લીવરના સ્વાસ્થ્યની કાળજી લેવા, તેની નિયમિત તપાસ કરાવવા અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા" શપથ લેવા હાકલ કરી હતી.
શિબિરમાં ભાગ લેનારા તમામ લોકોએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આહ્વાન પર, ખોરાકની સુચારુ પસંદગી કરવા, સ્વસ્થ જીવનશૈલી અપનાવવા, ખાદ્ય તેલનું સેવન ઓછામાં ઓછું 10% ઘટાડવા અને સ્થૂળતા સામે લડવા અંગે જાગૃતિ ફેલાવવાની પ્રતિજ્ઞા લીધી.