ગુજરાતમાં મતદાર યાદી સુધારણાઃ શું તમને કોઈ મુઝવણ છે? તો જાણો અહીં પૂરી પ્રક્રિયા વિશે
- ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાર યાદી સુધારણા - સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)
- મતદાર યાદી સુધારણા પ્રક્રિયા ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે
- આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે
- આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરશે
ગાંધીનગરઃ ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં હાલ મતદાર યાદી સુધારણા - સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન (SIR)ની પ્રક્રિયા ચાલી રહી છે. ગત ચાર નવેમ્બરથી શરૂ થયેલી આ પ્રક્રિયા ચાર ડિસેમ્બર સુધી ચાલશે. આ દરમિયાન કુળ 51 કરોડ મતદારોની ફેરચકાસણી થશે.
શું છે આ પ્રક્રિયા અને તમારે શું કરવાનું?
મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એક પ્રકારે સાફસૂફી કરવાની પ્રક્રિયા છે. છેલ્લા બે દાયકાથી મતદાર યાદીમાં કોઈ ફેરફાર થયા નથી. સિવાય કે વ્યક્તિગત જાગ્રત નાગરિકોએ પોતે સામે ચાલીને પોતાની સ્થિતિ પ્રમાણે કોઈ ફેરફાર - સુધારા કરાવ્યા હોય તો ઠીક, અન્યથા સર્વગ્રાહી રીતે વ્યાપક સુધારણા થઈ નહોતી જે હાલ થઈ રહી છે. એવું નથી કે પંચ દ્વારા સુધારણા થતી જ નથી. એ તો નિયમિત કામગીરી થાય જ છે, પણ તેમાં નાગરિકોને સ્વેચ્છાએ જોડવાનું હોવાથી તેમાં પૂરી સફળતા મળતી નથી અને પરિણામે અગણિત નામો એવાં રહી જાય છે જે કાંતો હવે હયાત ન હોય અથવા તે અન્યત્ર-અન્ય પ્રદેશમાં રહેવા ચાલ્યા ગયા હોય. અને તેથી આ વખતે ચૂંટણી કર્મચારીઓ ઘરે ઘરે પહોંચીને વ્યક્તિગત ચકાસણી કરીને મતદાર યાદીમાં સુધારણા કરી રહ્યા છે. ચૂંટણીપંચે આ કામગીરીની શરૂઆત બિહારથી કરી હતી જ્યાં ડુપ્લિકેટ, રહેઠાણ બદલાયું હોય એવા, મૃત્યુ પામ્યા હોય એવા વગેરે કારણસર હાલ મતદાર તરીકે લાયક અથવા સક્રિય ન હોય એવા 68 લાખથી વધુ નામોની સાફસૂફી કરવામાં આવી હતી.
હવે આ પ્રક્રિયા આખા દેશમાં થવાની છે જે પૈકી હાલ ગુજરાત સહિત 12 રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં થઈ રહી છે.
આમ તો ગુજરાતીઓ સતર્ક અને જાગ્રત છે એટલે ચૂંટણીપંચને SIRમાં ખાસ વાંધો નહીં આવે છતાં ઘણા એવા લોકો હશે જેમને સમગ્ર પ્રક્રિયા વિશે પ્રશ્નો મુઝવતા હશે. તો આ રહી સમગ્ર પ્રક્રિયા, જાણોઃ
SIR ઑનલાઈન અને ઑફલાઈન બંને રીતે થઈ શકશેઃ
મતદાર યાદી સુધારણા પ્રક્રિયા આમ તો ચૂંટણીપંચના કર્મચારીઓ અર્થાત બૂથ લેવલના અધિકારીઓ (બીએલઓ) ઘરે ઘરે જઈને કરી રહ્યા છે, છતાં કોઈ કારણથી ફિઝિકલ ફોર્મ ચકાસવાનું અને તેમાં સુધારા-ફેરફાર કરવાનું શક્ય ન હોય તો નાગરિકો ઑનલાઈન પ્રક્રિયા દ્વારા પણ આ કામગીરી કરી શકે છે.
હાલ જે પ્રક્રિયા કરવામાં આવી રહી છે તેના હેઠળ ચૂંટણીપંચ દ્વારા પ્રત્યેક મતદાર માટે એક ફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે જેમાં મતદાતાના નામ તથા તેના 10 આંકડાના એપિક EPIC નંબર સહિત કેટલીક મૂળભૂત વિગતો જે અગાઉથી ચૂંટણીપંચ પાસે હશે તે તો ભરેલી જ હશે. તેથી દરેક મતદારે એ વિગતો ચકાસીને બરાબર છે કે નહીં તેની ખાતરી કરવાની રહેશે. જો કોઈ ફેરફાર હોય તો એ માટે આપેલી નિર્ધારિત જગ્યામાં સુધારો કરવાનો રહેશે. મતદારે પોતાના મોબાઈલ નંબર આપવાના રહેશે.
બૂથ લેવલ અધિકારીઓ - બીએલઓ આ ફોર્મ દરેકને વ્યક્તિગત રીતે આપશે. જો ઘર બંધ હશે તો પાડોશીને આપશે અને એ પણ શક્ય ન હોય તો સોસાયટીના ચેરમેન-સેક્રેટરીને એ સુપરત કરશે અને પછી દરેક મતદાતા એ વિગતોની ચકાસણી કરીને ફેરફાર-સુધારા-વધારા કરીને ફોર્મ તૈયાર રાખશે જે બીએલઓ પરત લઈ જશે.
અહીં એ વાત ખાસ યાદ રાખવાની છે કે, આવા પ્રત્યેક ફોર્મની બે કૉપી (નકલ) હશે અને એ બંને ઉપર મતદાતાએ પોતાની સહી કરવાની છે. જો સહી કરેલી હશે તો જ ફોર્મ માન્ય ગણાશે અન્યથા કોઈ ફેરફાર-સુધારાને ધ્યાનમાં નહીં લઈ શકે અને જે તે વ્યક્તિનું નામ મતદાર યાદીમાંથી નીકળી જશે.
જે બે ફોર્મ હશે તેમાંથી એક ફોર્મ તમને અર્થાત દરેક મતદાતાને પરત કરવામાં આવશે જેને ખાસ સંભાળીને રાખવાનું છે. જ્યારે બીજી કૉપી બીએલઓ લઈ જશે અને તે ચૂંટણીપંચના રેકોર્ડમાં જશે.
ગુજરાત બહાર અથવા વિદેશ ગયેલા મતદારોએ શું કરવાનું?
જો મતદાર અભ્યાસ અથવા કામગીરીના હેતુથી ગુજરાત બહાર હોય તો તેઓ એસઆઈઆરની પ્રક્રિયા ઑનલાઈન કરી શકે છે. એ માટે તેમણે ચૂંટણીપંચની વેબસાઈટ https://voters.eci.gov.in અથવા પંચની મોબાઈલ એપ્લિકેશન ECINET માં નિર્ધારિત પ્રક્રિયા કરવાની રહેશે. વેબાસાઈટ અથવા મોબાઈલ એપથી આ પ્રક્રિયા કરો ત્યારે ઉપર જણાવેલી સાઈટ ખૂલ્યા પછી રાજ્યમાં Gujarat સિલેક્ટ કરવાનું રહેશે અને ત્યારબાદ તમારો 10 આંકડાના એપિક EPIC નંબર નાખવાથી તમારી વિગતો ખૂલશે.
ઑનલાઈન પ્રક્રિયા કરવા માટે આધાર નંબર ફરજિયાત છે જેનું ઑથેન્ટિકેશન (ખાતરી) OTP દ્વારા કરવામાં આવશે.
આ ફોર્મ ભરવાની પ્રક્રિયા આગામી 4 ડિસેમ્બરને ગુરુવાર સુધી ચાલશે. ત્યારબાદ ચૂંટણીપંચ દ્વારા 9મી ડિસેમ્બરે સૂચિત સુધારા કરેલી મતદાર યાદીનો મુસદ્દો જાહેર કરવામાં આવશે જેને તમામ નગરિકો જોઈ શકશે. મતદારો પોતાનો 10 આંકડાના એપિક EPIC નંબર નાખીને જાણી શકશે કે પોતે આપેલી માહિતી, અથવા કરાવેલા ફેરફાર મતદાર યાદીમાં સામેલ થયા છે કે નહીં! જો કહેલા ફેરફાર ન થયા હોય અથવા હજુ પણ કોઈ ભૂલ લાગતી હોય તો મતદારો 9 ડિસેમ્બરથી 31 જાન્યુઆરી સુધીમાં ગમે ત્યારે પંચનો સંપર્ક કરીને એ ફેરફાર કરાવી શકશે.
આ સમગ્ર પ્રક્રિયા પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ 7 ફેબ્રુઆરી, 2026ના રોજ આખરી મતદાર યાદી પ્રકાશિત કરશે.
મતદારો આ માટે તેમને કોઈ મુશ્કેલી પડે અથવા મદદની જરૂર હોય તો પંચની વેબસાઈટ ઉપર આપવામાં આવેલા ફોન ઉપર પણ ચૂંટણી અધિકારીઓનો સંપર્ક કરી શકશે.