જોટાણા માર્કેટ યાર્ડમાં લાલ મરચાના પુરતા ભાવ ન મળતા ખેડૂતોમાં અસંતોષ
- ગત વર્ષ કરતા ઓછાભાવે લાલ મરચુ વેચાય રહ્યું છે
- પ્રતિ 20 કિલોએ 400 રૂપિયા ઓછા ભાવ બોલાતા ઘણા ખેડુતો પરત ફર્યા
- ગોંડલ યાર્ડમાં લાલ મરચાની ધૂમ આવકને લીધે જોટાણા યાર્ડમાં ભાવમાં ઘટાડો થયો
મહોસાણાઃ ઉત્તર ગુજરાતમાં જોટાણા વિસ્તારમાં મરચાની ખેતી વધુ થાય છે. અને આ વિસ્તારનું લાલ મરચુ વખણાય છે. અને ઠેર ઠેર લાલ મરચાની ખળીઓ આવેલી છે. આ વર્ષે લાલ મરચાનું મબલખ ઉત્પાદન થયુ છે. ખેડુતો ટ્રેકટરો ભરીને લાલ મરતા વેચવા માટે જોટાણા માર્કેટ યાર્ડમાં આવી રહ્યા છે. પરંતુ યાર્ડમાં ખેડુતોને લાલ મરચાના પુરતા ભાવ ન મળતા અસંતોષ જોવા મળી રહ્યો છે. દરમિયાન યાર્ડના વેપારીઓના કહેવા મુજબ ગોંડલ માર્કેટમાં જ ભાવ ન હોય તેની સીધી અસર જોટાણા માર્કેટ સુધી જોવા મળી રહી છે.
લાલ મરચાંની મબલખ આવકથી ધમધમતા જોટાણા માર્કેટયાર્ડમાં આ સિઝન મરચું વેચવા આવતાં ખેડૂતોને તળિયાના ભાવ મળતાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. એમાંયે લાલ મરચું વેચવા માટે પણ કગરવું પડે તેવી હાલત થઇ છે. ગત વર્ષે સિઝનમાં પ્રતિ મણ રૂ.1500ના ભાવે વેચાયેલું લાલ મરચું આ વર્ષે 45 ટકા નીચા ભાવે એટલે કે રૂ.826 સુધીના જ ભાવ મળી રહ્યા છે. લાલ મરચાના પુરતા ભાવ ન મળતા ઘણા ખેડુતો મરચુ વેચ્યા વિના જ પરત ફરી રહ્યા છે.
જોટાણા પંથકના નદાસા, બહુચરાજી વિસ્તારના કાલરી, સીતાપુર સહિતના ગામોમાં મોટાપાયે મરચાંની ખેતી થાય છે. હાલ મરચાંનો પાક ટ્રેક્ટરમાં ભરીને જોટાણા માર્કેટમાં વેચાણ માટે આવી રહ્યા છે. સોમવારે 30 જેટલાં ટ્રેક્ટર મરચું વેપારી પેઢીઓ આગળ હરાજી માટે ગોઠવાયું હતું. હરાજીમાં માંડ રૂ.300 થી 400ના ભાવ આવતાં કેટલાક ખેડૂતોએ વેચવાનું માંડી વાળ્યું હતું. તો કેટલાક ખેડૂતોએ, મજબૂરીમાં પણ માલ તો કાઢવો તેમ માનીને મરચું વેચ્યું હતું. ખેડૂતોના કહેવા મુજબ ગયા વરસે રૂ.1300 થી 1500 ભાવ મળતા હતા. આ વર્ષે અમને મણના રૂ.500 મળ્યા છે. સોમવારે 102 મણ મરચું આ ભાવે વેચાણ કર્યું. પેન્ડિંગ રાખીએ તો ભાવ તો મળતા નથી. મજૂરી, દવા વગેરે ખર્ચ ગણીએ મળતર કંઇ રહેતું નથી. ઘણા ખરા ખેડૂતોએ તળિયાના ભાવ હરાજીમાં આવતાં વેચ્યા વિના માલ મૂકી રાખ્યો છે. સોમવારે ઓછામાં રૂ.310 અને મહત્તમ રૂ.826 સુધીના ભાવે 816 મણ મરચાંની ખરીદી થઈ હતી.
જોટાણા યાર્ડમાં સોમવારે ખેડૂતો મરચાંનાં ટ્રેક્ટરો ભરીને વેચવા આવ્યા હતા અને સવારે 10 વાગે હરાજી શરૂ થવાની રાહ જોઇને બેઠા હતા. માર્કેટમાં એરંડાની હરાજી ચાલુ હોઇ મરચાં માટે યાર્ડના કર્મચારીને આવતાં થોડું મોડું થયું એટલામાં કમિશન એજન્ટો મરચાંની હરાજી વિના જતા રહ્યા હતા. જેથી ખેડૂતોને અઢી કલાક બપોરે ભોજનના સમયે 12.30 વાગ્યા સુધી બેસી રહેવું પડ્યું હતું.