મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવમાં ઘટાડો થતાં ખેડુતોએ હરાજી બંધ કરાવી
- ખેડૂતોએ વિરોધ કરી જય જવાન જય કિસાનના નારા લગાવ્યા
- ડુંગળીના ભાવ 250થી 450 વચ્ચે હતા જે ગગડીને 100થી 89 નીચે આવી ગયા
- ખેડુતો કહે છે, ખેતી મોંધી થતી જાય છે, ખર્ચ પણ નીકળતો નથી
ભાવનગરઃ ગુજરાતમાં લાલા અને સફેદ ડુંગળીનું સૌથી વધુ ઉત્પાદન ભાવનગર જિલ્લામાં થાય છે. જેમાં મહુવા અને તળાજા તાલુકો ડુંગળીના વાવેતરમાં મોખરે હોય છે. હાલ મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીની ધૂમ આવક થઈ રહી છે. પણ સફેદ ડુંગળીના પુરતા ભાવ ન મળતા ખેડુતોમાં વિરોધ ઊભો થયો છે. સફેદ ડુંગળીના ભાવ 250થી 450 બોલાતા હતા એમાં ઘટાડો થઈને રૂપિયા 100થી 89નો ભાવ બોલાતા ખેડૂતોએ વિરોધ કરી જય જવાન જય કિસાન ના નારા લગાવી ડુંગળીની હરરાજી બંધ કરાવી હતી.
મહુવા માર્કેટ યાર્ડમાં સફેદ ડુંગળીના હાલમાં જે ભાવ મળી રહ્યા છે તેમા ખેડુતોને 50 ટકા જેટલી નુકશાની વેઠવી પડે રહી છે. જેથી જુદા જુદા ખેડુત સંગઠનો દ્વારા રૂ.200 સુધીના ભાવથી હરરાજી શરૂ કરવામાં આવે તેવી માંગણી સાથે હરરાજી બંધ કરાવી હતી. સરકાર દ્વારા આ અંગે યોગ્ય નિર્ણય લેવામાં આવે અને ખેડુતોને પોષણક્ષમ ભાવો મળી રહે તેવી માંગણી કરવામાં આવી છે.
ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીની ધૂમ આવક શરૂ થઈ છે. ડુંગળીના ભાવ 250 થી 450 વચ્ચે હોય જે ગગડીને 100 થી 89 નીચે અને 200 થી નીચે 179 આવી જતા ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. માર્કેટિંગ યાર્ડના વેપારી અને યાર્ડના તંત્રનું મેળાપીપણું પણ હોવાનો આક્ષેપ ખેડૂત કલ્યાણ સંગઠન દ્વારા લગાવવામાં આવ્યા હતા. જેમાં ખેડૂતો એક થયા હતા અને વિરોધ નોંધાયો હતો. આ અંગે મહુવા યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું હતું કે, ડુંગળીના ખૂબ જ નીચા ભાવ ગયા છે જે ખરેખર વાસ્તવિકતા છે. આ મહિનામાં ગયા વર્ષ કરતા ખૂબ જ નીચા ભાવ છે. આ વર્ષે લગભગ 70 લાખ થેલા ડુંગળીનું વેચાણ થઇ ચુકયુ છે. વાર્ષિક સરેરાશ 90 થી 95 લાખ થેલાની આવક થાય છે તેની જગ્યાએ આ વર્ષે 70 લાખ ગુણી ડુંગળીનું વેચાણ થઇ ચુક્યુ છે છતા કોઇ દિવસ યાર્ડ બંધ કરવામાં આવેલ નથી. ડુંગળીના નીચા ભાવો અંગે સરકારના પ્રતિનિધિઓ સાથે બેઠક કરી પોષણક્ષમ ભાવો મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવશે.