ગુજરાતમાં રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કરાતા ખેડુતોમાં રોષ
- ઈફ્કોએ ખાતરના ભાવમાં તોતિંગ વધારો કર્યો
- હવે ખેડુતોને ખેત ઉત્પાદન ખર્ચ વધશે
- ખેડુત સંગઠનોએ પણ કર્યો વિરોધ
અમદાવાદઃ ભારત કૃષિ પ્રધાન દેશ છે. ખેડુતો રાત-દિવસ મહેનત કરીને કૃષિ ઉપજ મેળવતા હોય છે. પણ સાંપ્રત સમયમાં ખેતી મોંઘી થતી જાય છે. બિયારણથી લઈને રાસાયણિક ખાતરના ભાવ વધતા જાય છે. ત્યારે સરકારે ઈક્ફોના ખાતરમાં એકઝાટકે તોતિંગ વધારો કરતા ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે.એનપીકે ખાતરની 50 કિલોની એક ગુણ પર ઈફ્કો દ્વારા સીધો 250 રૂપિયાનો વધારો જાહેર કરવામાં આવ્યો છે. આમ, 2025 ની શરૂઆતથી જ ખેડૂતો પર મોંઘવારીનો માર પડ્યો છે. ખેડૂતો કહી રહ્યા છે કે, આ ભાવ વધારો ખેડૂતો માટે આત્મઘાતી નિવડશે. ખાતરની જરુર છે ત્યારે જ સરકારે ખેડૂતોને મોટો ઝટકો આપ્યો છે, આ ભાવ વધારાથી ખેડૂતો દેવાદાર બની જશે.
ગુજરાતમાં હાલ રવિ સીઝનમાં રાસાયણિક ખાતરની જરૂરિયાત ઊભી થઈ છે, ત્યારે એનપીકે ખાતરનું ઉત્પાદન કરતી ઈફ્કો (ઇન્ડિયન ફાર્મસ ફર્ટિલાઇઝર કો-ઓપરેટીવ લિમિટેડ) દ્વારા એનપીકેના ભાવમાં વધારો જાહેર કરાયો છે. અત્યાર સુધી ખેડુતોને એનપીકેની 50 કિલોની એક ગુણ 1470 રૂપિયામં મળી રહેતી હતી. તેને બદલે હવે તેઓને 250 રૂપિયા વધારે ચૂકવવા પડશે. ત્યારે 50 કિલોની બોરીનો ભાવ 1720 રૂપિયા કરી દેવાયો છે. એનપીકે ખાતરનો ઉપયોગ ગુજરાતના અનેક જિલ્લાઓમાં થાય છે. જેથી ઈફ્કોના ભાવવધારાને કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો પર સીધો 20 કરોડનો બોજો ઝીંકાશે. તો રાજ્યભરના ખેડૂતોના માથે 350 કરોડનો ભાર વધશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના એ ખેડૂતો જેઓ ડાંગર અને ખેતીનો પાક પકવે છે, તેના માટે એનપી ખાતર અતિમહત્વનું છે.
ઇફ્કોએ રાસાયણિક ખાતરમાં પ્રતિ 50 કિલોની બેગમાં 250 રૂપિયાનો ભાવ વધારો કર્યો છે. NPK 102626ના ભાવમાં રૂપિયા 250 તો NPK 123216ના ભાવમાં રૂપિયા 250નો વધારો કરવામાં આવ્યો છે. રાસાયણિક ખાતરમાં ભાવ વધારો થતા ખેડૂતોના ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થશે. ખેડૂતો માટે આ ભાવ વધારો કમરતોડ છે. ખેડૂતોની આવકમાં મોટો ઘટાડો થશે, ખાતર પરનો ભાવ વધારો ખેડૂતોને પોસાય તેમ નથી.