પ્રાકૃતિક ખેતીમાં ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી
ગાંધીનગરઃ પ્રાકૃતિક ખેતી કરવાથી ખેત ઉત્પાદન ઓછું થઈ જતું નથી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતાં કહ્યું કે, ખેડૂતો ખોટી ચિંતા મૂકીને પૂર્ણ પ્રમાણિકતાથી પાંચ આયામોનું પાલન કરીને પ્રાકૃતિક ખેતી અપનાવે. પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી, ખેતી ખર્ચ બિલકુલ ઓછો થઈ જાય છે, ખેત ઉત્પાદનોની કિંમત પણ વધુ મળે છે, ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થાય છે, સાથોસાથ ભૂમિની ફળદ્રુપતા વધે છે, આરોગ્યપ્રદ અનાજ અને શાકભાજીથી લોકોનું સ્વાસ્થ્ય સુધરે છે, ભૂજળનું સ્તર ઊંચું આવે છે અને જલવાયુ પરિવર્તનની સમસ્યા પણ ઓછી થાય છે.
ગાંધીનગર જિલ્લા પ્રશાસન અને આત્મા પ્રોજેક્ટ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે કલોલ તાલુકાના ભાદોલ ગામે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગાંધીનગર જિલ્લાના ખેડૂતો સાથે સંવાદ કરતાં કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર દેશમાં ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે એવા લક્ષ્ય સાથે રાષ્ટ્રીય પ્રાકૃતિક ખેતી મિશનની રચના કરી છે અને એ માટે વિશેષ ભંડોળ પણ ફાળવ્યું છે. ભારતના સહકાર અને ગૃહ મંત્રી અમિતભાઈ શાહ પણ આગ્રહી છે કે, તેમના મતક્ષેત્રના તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય. પ્રાકૃતિક ખેતી એ આપણી આવનારી પેઢીને સુખી કરવાનો માર્ગ છે.
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ ખેડૂતોનો ભય દૂર કરતાં સમજાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. જૈવિક ખેતી (ઑર્ગેનિક ખેતી) થી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. ખેતી ખર્ચ પણ ઓછો થતો નથી. નિંદામણ વધવાથી ખેડૂતોને ખૂબ મહેનત પડે છે. એટલું જ નહીં, પુષ્કળ પ્રમાણમાં ગોબર વપરાતું હોવાથી કાર્બન ડાયોક્સાઇડથી 22 ઘણો ખતરનાક મિથેન ગેસ ઉત્પન્ન થાય છે, જે પર્યાવરણને નુકસાન કરે છે. જ્યારે પ્રાકૃતિક ખેતી (નેચરલ ફાર્મિંગ) માત્ર દેશી ગાયના ગોબર-ગૌમૂત્રથી સાવ નજીવા ખર્ચે કરી શકાય એવી પદ્ધતિ છે. પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સૂક્ષ્મ જીવાણુ, અળસીયા અને મિત્ર કીટકની સંખ્યા ખૂબ વધે છે, જેનાથી જમીનનો ઓર્ગેનિક કાર્બન વધે છે. જમીનની ઉપજાઉ ક્ષમતા ઘણી વધે છે, પરિણામે સારી ગુણવત્તાવાળું-વધુ ઉત્પાદન મળે છે. બજારમાં પ્રાકૃતિક ખેત ઉત્પાદનની કિંમત પણ વધુ મળતી હોવાથી ખેડૂતોએ ખોટો ભય રાખ્યા વિના વહેલામાં વહેલી તકે પ્રાકૃતિક ખેતી અપનાવવી જોઈએ.
રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અંધાધુંધ ઉપયોગ સામે ચેતવણી આપતાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે, રસાયણોના બેફામ ઉપયોગથી ભૂમિ વેરાન થઈ ગઈ છે. રાસાયણિક ખાતરમાં મીઠાનું પ્રમાણ વધારે હોવાથી જમીનની ફળદ્રુપતા સાવ ઘટી ગઈ છે, પરિણામે ખૂબ વધુ પ્રમાણમાં રાસાયણિક ખાતરોના ઉપયોગ છતાં ઉત્પાદન વધતું નથી. ખેડૂતોના ખર્ચા વધી રહ્યા છે. રાસાયણિક ખાતરમાંનુ નાઇટ્રોજન જ્યારે હવામાંના કાર્બન ડાયોક્સાઇડના સંપર્કમાં આવે છે ત્યારે હવામાં નાઈટ્રસ ઑક્સાઇડ નામનો ઝેરી ગેસ સર્જાય છે. આ નાઈટ્રસ ઑક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ કરતાં પણ 312 ગણો વધુ ખતરનાક છે, પરિણામે પર્યાવરણને ગંભીર નુકસાન થઈ રહ્યું છે. ઝેરી અન્ન-શાકભાજી ખાવાથી ગંભીર રોગોનું પ્રમાણ પણ વધી રહ્યું છે. જો આમ જ ચાલ્યું તો, હજુ વધુ ગંભીર દુષ્પરિણામોનો સામનો કરવો પડશે.
આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, આત્મા પ્રોજેક્ટ દ્વારા સમગ્ર રાજ્યમાં ગામેગામ માસ્ટર ટ્રેઈનર્સ દ્વારા પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ વિનામૂલ્યે આપવામાં આવી રહી છે. ગામના સરપંચો પોતાના ગામના ખેડૂતોના કલ્યાણ માટે આગળ આવે અને તમામ ખેડૂતો પ્રાકૃતિક ખેતી પદ્ધતિની તાલીમ લે એવા પ્રયત્નો કરે. તેમણે ખેડૂતો પોતાની જમીનના ઓછામાં ઓછા ચોથા ભાગમાં પ્રાકૃતિક ખેતી કરતા થાય એવો આગ્રહ રાખતાં કહ્યું કે, કમસેકમ પોતાના પરિવાર માટે પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવો. એક દેશી ગાય ઉછેરો, ગાય ન હોય તો નજીકની પાંજરાપોળ- ગૌશાળામાંથી કે પડોશી ખેડૂત પાસેથી દેશી ગાયનું ગોબર અને ગૌમૂત્ર મેળવો. 'પહેલું સુખ તે જાતે નર્યા'. એક વખત પ્રાકૃતિક ખેતી અપનાવવાથી ધરતી સોનું થઈ જશે. જે વાવશો તેમાં બમણું ઉત્પાદન મળશે. પ્રાકૃતિક ખેતી અપનાવો, તમે બચો અને લોકોને પણ બચાવો.