નકલી IAS મેહુલ શાહ લોકોમાં રૂઆબ જમાવવા માટે અનેક તરકીબો અપનાવતો હતો
- એરપોર્ટની બહાર નીકળે તો પોતાના મળતિયાઓ પાસે પુષ્પવર્ષા કરાવતો હતો,
- લોકોમાં રોફ જમાવવા માટે ભાજપના નેતા સાથે ગાઢ સંબંધ હોવાનું કહેતો હતો,
- ક્રાઈમ બ્રાન્ચે લાલ આંખ કરતા આરોપી પોપટની જેમ બોલવા લાગ્યો
અમદાવાદઃ નકલી IAS અધિકારીના સ્વાંગમાં લોકોને ઠગતો આરોપી મહેલ શાહને ક્રાઈમ બ્રાન્ચે પકડી લીધા બાદ પોતાના કરતૂતોની ડાયરી પોલીસ સમક્ષ પોપટની જેમ બોલી રહ્યા છે. પોલીસે અગાઉ પણ કોની સાથે છેતરપિંડી કરી છે. તેની માહિતી મેળવવામાં આવી રહી છે. દરમિયાન આરોપી મેહુલ શાહનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એરપોર્ટમાંથી બહાર નીકળતા અને કેટલાક લોકો તેનું સ્વાગત કરતા હોવાનો વીડિયો સામે આવ્યો છે. મેહુલ શાહ આ પ્રકારના વીડિયો બનાવી લોકોને પ્રભાવિત કરતો હોવાનું હતો.
મોરબીના વાંકાનેરનો મહુલ શાહ અધિકારીના સ્વાંગમાં પોતાની વાકછટા અને રૂઆબથી ભલભલાને આંજી નાખતો હતો. આરોપી મેહુલ શાહનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે એરપોર્ટની બહાર નીકળી રહ્યો છે ત્યારે કેટલાક લોકો તેની આસપાસ ચાલી રહ્યા છે. તો એક વ્યકિત તેના પર પુષ્પવર્ષા કરી સ્વાગત કરતો જોવા મળી રહ્યો છે. એરપોર્ટની બહાર આવ્યા બાદ તેની આસપાસ સફારીમાં ત્રણ ગાર્ડ હતા. આ ઉપરાંત સાદા કપડામાં અન્ય ત્રણથી ચાર લોકો હતા જે આરોપીનું ફૂલ નાખીને એરપોર્ટમાંથી બહાર આવતા સ્વાગત કરતા હતા. આરોપી રોફ મારીને કહેતો હતો કે તેનું રેવન્યુ વિભાગમાં પ્રમોશન આવ્યું હોવાથી તેનું એરપોર્ટ પર સ્વાગત કરવામાં આવ્યું હતું. આ વીડિયોના અંતમાં સરકારી અધિકારીની જેમ જ ગાડીમાં બેસીને આરોપી જઈ રહ્યો હતો. આરોપી મેહુલ શાહે પોતે IAS અધિકારી હોવાની ઓળખ આપીને અનેક લોકોને ઠગ્યા હતા. આરોપી સરકારી અધિકારીઓને ભાજપના તથા સંઘના મોટા નેતાઓ સાથે સંપર્ક ધરાવતો હોવાનું કહીને રોફ જમાવતો હતો.આરોપી લોકોને પ્રભાવિત કરવા માટે વીડિયો પણ બતાવતો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પકડેલા મેહુલ શાહ નામના આરોપીએ પોતે નકલી IAS હોવાની લોકોને ઓળખ આપીને અનેક લોકો સાથે છેતરપિંડી કરી હતી.આરોપી પોતે IAS અધિકારી છે તેવું સાબિત કરવા માટે ઇનોવા ગાડીમાં અવરજવર કરતો હતો.જેમાં સાયરન અને લાલબત્તી પણ લગાવી હતી.ઉપરાંત ગાડીના કાચ ઉપર કાળા કલરના પડદા લગાવવામાં આવ્યા હતા. આરોપી સાથે બાઉન્સર પણ રાખતો હતો જેથી લોકો તેનાથી પ્રભાવિત થઈ જતા હતા.