ડીસાના મહાદેવિયા ગામે નકલી નોટો છાપતી ફેકટરી પકડાઈ, બેની ધરપકડ
- ખેતરની ઓરડીમાં અદ્યતન મશીન દ્વારા નકલી નોટો થપાતી હતી,
- પોલીસે 40 લાખની નકલી નોટો અને સાધનો જપ્ત કર્યા,
- ફેક નોટોનો કૌભાંડકારી મુખ્ય આરોપી ફરાર
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવીયા ગામની સીમના એક ખેતરની ઓરડીમાં નકલી ચલણી નોટો બનાવવાનું રેકેટ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યું છે. પોલીસે દરોડા દરમિયાન 40 લાખની ફેક નોટો અને નકલી નોટો, બનાવટ માટે વપરાતા સાધનો સાથે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડને કારણે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.
જિલ્લાના ડીસા તાલુકાના મહાદેવિયા ગામની સીમમાં એક ખેતરની ઓરડીમાં બનાસકાંઠા પોલીસની સ્થાનિક ક્રાઈમ બ્રાન્ચ (LCB)એ દરોડો પાડીને નકલી ભારતીય ચલણી નોટો બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. મોડીરાત્રે પાડવામાં આવેલા દરોડામાં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે અને તેમની પાસેથી રૂપિયા 40 લાખથી વધુની નકલી નોટો તેમજ એને બનાવવા માટેનાં સાધનો જપ્ત કર્યા છે.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચને મહાદેવિયા ગામે ડુપ્લિકેટ નોટો બનાવવામાં આવતી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. એના આધારે ગત મોડીરાત્રે એલસીબીની ટીમે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન પોલીસને ત્યાંથી ₹40 લાખથી વધુની નકલી નોટો મળી આવી હતી. આ કેસમાં મુખ્ય સૂત્રધાર સંજય સોની અને કૌશિક શ્રીમાળી નામના બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જોકે જેનું ઘર હતું તે મુખ્ય આરોપી રાયમલસિંહ ફરાર છે. પોલીસના જણાવ્યા મુજબ, રાયમલસિંહ અને સંજય સોની બંનેનો ગુનાહિત ઇતિહાસ છે. રાયમલસિંહ પર ખંડણી અને છેતરપિંડી સહિતના 16 ગુના દાખલ છે અને તે તાજેતરમાં જ પાસામાંથી છૂટ્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ સંગઠિત ગુનાખોરીની કલમો હેઠળ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસે ઘટનાસ્થળેથી બે આરોપીને ઝડપી પાડ્યા છે, જેમણે પ્રાથમિક પૂછપરછમાં નકલી નોટો છાપતા હોવાનું સ્વીકાર્યું છે. હાલમાં જપ્ત કરાયેલી નોટોની ગણતરીનું કામ ચાલી રહ્યું છે. એલસીબીની આ સફળ કામગીરીથી સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે.