સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષાઓનો પ્રારંભ, ગેરરીતિ સામે કડક પગલાં લેવાશે
- સૌરાષ્ટ્ર યુનિની સેમેસ્ટર 3થી 5ની પરીક્ષાનો પ્રારંભ,
- વિદ્યાર્થીઓ ચોરી કરતા પકડાશે તો રૂપિયા 10 હજાર સુધીનો દંડ,
- યુનિવર્સિટીએ ગેરરીતિ સામે કડક નિયમો બનાવ્યા
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેમેસ્ટર-3 અને 5ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. દિવાળી વેકેશન ખૂલ્યાના બીજા દિવસથી પરીક્ષાનો પ્રારંભ થયો છે. જેમાં 47,280 વિદ્યાર્થીઓ 127 કેન્દ્ર પર પરીક્ષા આપી રહ્યા છે. આ પરીક્ષામાં 86 જેટલા ઓબ્ઝર્વર પણ નિયત તરવામાં આવ્યા છે. મહત્ત્વની બાબત એ છે કે આ વર્ષે યુનિવર્સિટીમાં નવો સ્ટેચ્યુટ લાગુ કરી દેવામાં આવ્યો છે અને પરીક્ષાના નિયમોમાં જો કોઈ વિદ્યાર્થી ચોરી કરતા પકડાય તો હવે તેને પરીક્ષામાંથી બાકાત કરવા ઉપરાંત 10 હજાર સુધીનો દંડ પણ ફટકારવામાં આવશે. પરીક્ષાના કડક નિયમોને કારણે ગેરરીતિના કેસમાં ઘટાડો થશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા શિક્ષણના નવા એક્ટ બાદ પ્રથમવાર સેમેસ્ટર 3 અને 5ની રેગ્યુલર પરીક્ષા લેવામાં આવી રહી છે. વિદ્યાર્થી ચિઠ્ઠીમાંથી કે મોબાઈલમાંથી ચોરી કરે, મોબાઈલ સાથે પકડાય, હાથ-પગમાં લખાણ કરીને લાવે, ઘેરથી ઉત્તરવહી લખીને લાવે, આજુબાજુના વિદ્યાર્થીઓની ઉત્તરવહીમાંથી ચોરી કરીને લખે તેવી જુદી જુદી રીતે ચોરી કરતા પકડાય તો આ વર્ષે નિયમ કડક કરાયો છે. નવા સ્ટેચ્યુટમાં યુનિવર્સિટીની પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીઓ માટે જુદી જુદી કડક સજાની જોગવાઈ કરવામાં આવી છે. જેમાં જે-તે વિષયનું પરિણામ રદ કરવું, રૂ. 2500થી રૂ.10,000 સુધીના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. નવા એક્ટ મુજબ હવે પરીક્ષામાં ચોરી કરતા વિદ્યાર્થીનું પેપર રદ થશે, દંડ થશે અને ગંભીર ગુનામાં FIR પણ થઇ શકે છે. કેટલાક કિસ્સામાં MPEC તે વિદ્યાર્થીને પરીક્ષામાંથી કાયમી પ્રતિબંધ પણ લાદી શકે છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીએ, બી.કોમ, બીબીએ, બીસીએ સહિત જુદી જુદી 9 ફેકલ્ટીના 37 જેટલા કોર્સના ત્રીજા અને પાંચમાં સેમેસ્ટરની પરીક્ષાનો પ્રારંભ થયો છે. આ પરીક્ષા 27મી સુધી ચાલશે. સવારના સેશનમાં પરીક્ષાનો સમય 10.30થી 1 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે જ્યારે બપોરેના સેશનમાં લેવાનારી પરીક્ષાનો સમય 3થી 5.30 કલાક સુધીનો રાખવામાં આવ્યો છે. સ્નાતક કોર્સમાં બીએ, બીએસડબલ્યુ, બીબીએ, બી.કોમ, બીસીએ, બીએસસી, બીએસસી આઈટી, બીએસસી હોમ સાયન્સ, એલએલબી, બીપીએ, બીઆરએસ, બીએ બી.એડ સહિતના કોર્સનો સમાવેશ થાય છે જ્યારે અનુસ્નાતક કોર્સમાં એમએસડબલ્યુ, એમ.એ, એમબીએ, એમ.કોમ, એમએસસી, એમસીએ, એમએસસી હોમસાયન્સ, એલએલએમ, એમઆરએસ સહિતના કોર્સની પરીક્ષા શરૂ થશે.