ઇથોપિયાના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી ડૉ. જિતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી
નવી દિલ્હીઃ ઇથોપિયાના રાજ્યપાલો, ઉપ-રાજ્યપાલો અને મંત્રીઓનું એક ઉચ્ચ સ્તરીય સત્તાવાર પ્રતિનિધિમંડળ, જે હાલમાં ભારતની મુલાકાતે છે, તેમણે વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલયના કેન્દ્રીય રાજ્યમંત્રી (સ્વતંત્ર હવાલો), કર્મચારી, જાહેર ફરિયાદ અને પેન્શન રાજ્યમંત્રી, ડૉ. જિતેન્દ્ર સિંહને મળ્યા હતા. પ્રતિનિધિમંડળે ભારત સાથે ઇથોપિયાની એકતા અને કાયમી સહયોગનો પુનરોચ્ચાર કર્યો હતો. અહીં તેમના રોકાણ દરમિયાન, પ્રતિનિધિમંડળના સભ્યો નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ (NCGG) ખાતે એક અઠવાડિયાનો તાલીમ કાર્યક્રમ લેશે.
વિદેશ મંત્રાલયના ભારતીય ટેકનિકલ અને આર્થિક સહકાર (ITEC) વિભાગના નેજા હેઠળ NCGG દ્વારા આયોજિત, ક્ષમતા નિર્માણ કાર્યક્રમ વરિષ્ઠ ઇથોપિયન નીતિ નિર્માતાઓ અને શાસન નેતાઓ માટે તૈયાર કરવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ્ય તેમને ગતિશીલ વૈશ્વિક પરિદૃશ્યમાં અસરકારક નીતિ નિર્માણ અને શાસન માટે વ્યૂહાત્મક આંતરદૃષ્ટિ, શ્રેષ્ઠ પ્રથાઓ અને કાર્યક્ષમ જ્ઞાનથી સજ્જ કરવાનો છે.
દેશના ઉત્તરપશ્ચિમ ભાગમાં પ્રવર્તમાન પરિસ્થિતિ હોવા છતાં, ઇથોપિયન પ્રતિનિધિમંડળ દ્વારા ભારત પ્રત્યે દર્શાવવામાં આવેલી એકતાની અતૂટ અભિવ્યક્તિની પ્રશંસા ડૉ. જિતેન્દ્ર સિંહે કરી હતી. તેમણે રાજ્યપાલો અને વરિષ્ઠ અધિકારીઓની ક્ષમતા-નિર્માણ કાર્યક્રમમાં તેમની પ્રતિબદ્ધતા અને સક્રિય ભાગીદારી બદલ પ્રશંસા કરી, મજબૂત દ્વિપક્ષીય સંબંધોને પ્રોત્સાહન આપવા અને સુશાસન અને સહયોગના સહિયારા મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટેના તેમના સમર્પણને માન્યતા આપી હતી.
તેમણે ઓગસ્ટ 2023માં જોહાનિસબર્ગમાં બ્રિક્સ સમિટ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇથોપિયન પ્રધાનમંત્રી ડૉ. અબી અહેમદ વચ્ચેની તાજેતરની મુલાકાતને યાદ કરી, જેમાં વિકાસ ભાગીદારી, આઇસીટી, કૃષિ, યુવા કૌશલ્ય અને લોકો-થી-લોકોના આદાનપ્રદાન જેવા ક્ષેત્રોમાં વધતા દ્વિપક્ષીય સહયોગ પર ભાર મૂકવામાં આવ્યો હતો. ભારત-ઇથોપિયા સંબંધોના ઐતિહાસિક ઊંડાણ પર પ્રકાશ પાડતા, ડૉ. સિંહે જણાવ્યું હતું કે સ્વતંત્રતા પછી ઇથોપિયામાં રાજદ્વારી મિશન સ્થાપિત કરનારા પ્રથમ દેશોમાં ભારતનો સમાવેશ થાય છે. તેમણે પ્રધાનમંત્રી મોદીના "વિશ્વબંધુ" (વિશ્વના મિત્ર)ના વિઝન પર ભાર મૂક્યો, સમાવેશીતા અને પરસ્પર વિકાસ પ્રત્યે ભારતની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો.
"ઇથોપિયાના અર્થતંત્રના ઉદારીકરણ સાથે, ભારત અને ઇથોપિયા વચ્ચે વેપાર અને રોકાણ સંબંધોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે, ખાસ કરીને ઉત્પાદન, કૃષિ, માળખાગત સુવિધાઓ અને આઇસીટી જેવા ક્ષેત્રોમાં," તેમણે ઉમેર્યું. ડૉ. સિંહે માહિતી આપી હતી કે 650થી વધુ ભારતીય કંપનીઓએ ઇથોપિયામાં રોકાણ કર્યું છે, જેમાં 5 અબજ ડોલરથી વધુનું સંચિત લાઇસન્સ પ્રાપ્ત રોકાણ છે, જે ભારતીય રોકાણકારોને દેશમાં બીજા ક્રમનું સૌથી મોટું વિદેશી નોકરીદાતા બનાવે છે. મંત્રીએ એ પણ શેર કર્યું કે 50 સભ્યોના ઇથોપિયન સંસદીય પ્રતિનિધિમંડળે ફેબ્રુઆરી 2024માં PRIDE (સંસદીય સંશોધન અને તાલીમ સંસ્થા માટે લોકશાહી) ખાતે ક્ષમતા નિર્માણ કાર્યક્રમમાં ભાગ લીધો હતો, જે બંને લોકશાહી વચ્ચે સંસ્થાકીય જોડાણોને મજબૂત બનાવે છે.
ડૉ. જિતેન્દ્ર સિંહે ભારતના કેટલાક વૈશ્વિક સ્તરે પ્રશંસનીય શાસન અને ટેકનોલોજી-સંચાલિત સુધારાઓનું પ્રદર્શન કર્યું હતું. જેમાં ડિજિટલ સાધનોએ જાહેર સેવા વિતરણમાં કેવી રીતે ક્રાંતિ લાવી છે તે દર્શાવ્યું હતું. તેમણે CPGRAMS વિશે વાત કરી, જે એક AI-સક્ષમ ફરિયાદ નિવારણ પ્રણાલી છે. જે લગભગ 95% ફરિયાદોનું એક અઠવાડિયામાં નિરાકરણ લાવે છે અને નાગરિક સંતોષ સુનિશ્ચિત કરવા માટે સંકલિત માનવ પ્રતિસાદ પદ્ધતિઓ ધરાવે છે. SWAMITVA યોજના, બીજી એક મુખ્ય પહેલ, ડ્રોન અને સેટેલાઇટ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સચોટ ડિજિટલ જમીન રેકોર્ડ જનરેટ કરે છે, જે ગ્રામીણ જમીન માલિકીમાં પારદર્શિતા અને કાર્યક્ષમતા વધારે છે. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) સિસ્ટમને લીકેજ દૂર કરવા અને જાહેર ભંડોળ સીધા ઇચ્છિત લાભાર્થીઓ સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે એક શક્તિશાળી સાધન તરીકે ટાંકવામાં આવ્યું હતું. તેમણે ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ (DLC) પહેલ પર પણ પ્રકાશ પાડ્યો, જે વરિષ્ઠ નાગરિકોને ચહેરાની ઓળખ ટેકનોલોજીનો ઉપયોગ કરીને દૂરસ્થ રીતે તેમના જીવન પ્રમાણપત્રો સબમિટ કરવાની મંજૂરી આપે છે અને iGOTKarmayogi પ્લેટફોર્મ, એક ઓનલાઈન લર્નિંગ ઇકોસિસ્ટમ જે સિવિલ સેવકો માટે સતત ક્ષમતા નિર્માણને સક્ષમ કરે છે, તેનો પણ ઉલ્લેખ કર્યો હતો. નવીનતાની પરિવર્તનકારી ભૂમિકા પર ભાર મૂકતા, ડૉ. સિંહે કહ્યું, "ભારતની શાસન ક્રાંતિમાં ટેકનોલોજી એક મહાન સક્ષમકર્તા રહી છે. અમને અમારા ઇથોપિયન મિત્રો સાથે અમારા અનુભવો શેર કરવામાં અને સુધારાની તેમની પોતાની યાત્રામાં તેમને ટેકો આપવાનો ગર્વ છે."