મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીનો ભરાવો થતા ત્રણ દિવસ આવક પર પ્રતિબંધ
- રવિવારે સાંજના 4 વાગ્યાથી યાર્ડમાં ખેડૂતો મગફળીના વેચાણ માટે આવી શકશે,
- યાર્ડમાં મગફળી ઉતારવા માટેની જગ્યા નથી,
- બે દિવસમાં મગફળીના જથ્થાનો નિકાલ કરી દેવામાં આવશે
ભાવનગરઃ જિલ્લાના મહુવા માર્કેટ યાર્ડમાં મગફળીના પાકની ધૂમ આવક થતાં યાર્ડમાં મગફળી ઉતારવાની જગ્યા નથી. તેથી મહુવા ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ (APMC) દ્વારા મગફળીની આવક બે દિવસ માટે બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની વધુ પડતી આવકને કારણે તાત્કાલિક અસરથી મગફળીની આવક બંધ કરવામાં આવી છે. યાર્ડમાં સતત વધી રહેલી મગફળીની આવકને કારણે સ્ટોરેજ અને વ્યવસ્થા સંબંધિત મુશ્કેલીઓ ઊભી થતા યાર્ડના અધિકારીઓએ આ નિર્ણય લીધો છે.
ભાવનગરના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મહુવા યાર્ડમાં 6 નવેમ્બર, 2025ના રોજ સવારે 9 વાગ્યાથી મગફળીની આવક બંધ કરી દેવામાં આવી છે. હાલમાં યાર્ડમાં મગફળીની ભરમાર હોવાથી નવા વાહનોની એન્ટ્રી રોકી દેવામાં આવી છે અને હવે નવી આવક શરૂ ન થાય ત્યાં સુધી યાર્ડમાં ખેડૂતોને મગફળી સાથે એન્ટ્રી નહીં અપાય. અધિકારીઓ પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે, 9 નવેમ્બર રવિવારે સાંજના ચાર કલાકથી લઈને સવારના 9 કલાક સુધી રાબેતા મુજબ મગફળીની આવક શરૂ કરવામાં આવશે. યાર્ડના સત્તાધીશો દ્વારા લેટરપેડ પર સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત મુજબ, 6 નવેમ્બરથી 9 નવેમ્બર સુધી, એટલે કે ત્રણ દિવસ માટે મગફળીની આવક સંપૂર્ણપણે બંધ રહેશે.
મહુવા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરીએ જણાવ્યું કે યાર્ડમાં મગફળીનો મોટા પ્રમાણમાં ભરાવો થઈ જવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેડૂતો અને વેપારીઓને મગફળી વેચાણ માટે ન લાવવા વિનંતી કરવામાં આવી છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે જ્યારે ખેડૂતોને કમોસમી વરસાદના કારણે મગફળીના પાકમાં વ્યાપક નુકસાન થયું છે. ત્રણ દિવસ માટે આવક બંધ થવાથી ખેડૂતોને તેમની જણસ વેચવામાં વિલંબનો સામનો કરવો પડશે.