ગુજરાતમાં ઈજનેરી કોલેજોના અધ્યાપકો ઉચ્ચતર પગારના લાભથી વંચિત
- ઈજનેરી કોલેજના અધ્યાપકો પડતર પ્રશ્નોના ઉકેલ માટે લડત ચલાવી રહ્યા છે
- અધ્યાપકોને એક નહીં પણ 3 ઉચ્ચતર પગાર ધોરણ મળવાના બાકી
- 13 વર્ષ પૂર્ણ કર્યા બાદ 80 % અધ્યાપકો જૂના પગારમાં નોકરી કરી રહ્યા છે
અમદાવાદઃ રાજ્યના ઈજનેરી કોલેજોના અધ્યાપકોને ઉચ્ચતર પગાર ધોરણનો લાભ મળ્યો નથી. ઘણા લાંબા સમયથી અધ્યાપકો ઉચ્ચતર પગાર ધોરણની માગ કરી રહ્યા છે. અને વખતોવખત સરકારને રજુઆતો કરી છે, પણ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. 13 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ હાલ 80 % અધ્યાપકોએ જ જૂના પગારમાં નોકરી કરી રહ્યા છે. સરકારી ડીગ્રી ઈજનેરી કોલેજના અંદાજે 600 અધ્યાપકોને વર્ષ 2021ની અસરથી ગ્રેડ પે 7000થી 8000 તેમજ વર્ષ 2024ની અસરથી ગ્રેડ પે 8000 થી 9000 પણ મળવાપાત્ર હોવા છતાં કોઈ કાર્ય.વાહી કરાતી નથી.
ગુજરાતની ઇજનેરી કોલેજના 1500 જેટલા અધ્યાપકો ઘણા લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઉકેલ માટે આંદોલન ચલાવી રહ્યા છે. આ પ્રશ્ને સરકારમાં અનેકવાર રજૂઆત કરી હોવા છતાં આજ દિન સુધી તેઓના CAS (ઉચ્ચતર પગાર ધોરણ) સહિતના પડતર પ્રશ્નોનું સંપૂર્ણ નિરાકરણ કરાયુ નથી. 13 વર્ષ પૂર્ણ કર્યા બાદ પણ હાલ 80 % અધ્યાપકોએ જ જૂના પગારમાં નોકરી કરી રહ્યા છે. અધ્યાપકો માટે ઉચ્ચતર પગાર ધોરણ માટે CAS પ્રક્રિયા કે જેમાં 1000 રૂ. ગ્રેડ પે વધારવા હેતુ ઓગસ્ટ 2024થી COGENT Portal પર પ્રક્રિયા ચાલુ કરેલ, જે આજે 9 મહીના વીતવા છતાં હજુ પૂર્ણ થયેલ નથી. હજુ તો આ CAS પ્રક્રિયાનું પ્રથમ ચરણ છે જેમાં અધ્યાપકનો ગ્રેડ પે 6000થી 7000 થશે. સરકારી ડીગ્રી ઈજનેરી કોલેજના અંદાજે 600 અધ્યાપકોને વર્ષ 2021ની અસરથી ગ્રેડ પે 7000થી 8000 તેમજ વર્ષ 2024ની અસરથી ગ્રેડ પે 8000 થી 9000 પણ મળવાપાત્ર છે.
સરકારી ઈજનેરી કોલેજ અધ્યાપક મંડળના હોદ્દેદારોના કહેવા મુજબ હાલમાં ચાલી રહેલી પ્રથમ ચરણની CAS પ્રક્રિયા છેલ્લા ત્રણ મહિનાથી ખોરંભે પડી ગઈ છે. છેલ્લા ત્રણ મહિનાથી માત્ર કમીશ્નરની સહી બાકી હોવાના લીધે અંદાજે 1000 અધ્યાપકોના CAS અંતર્ગત જરૂરી આદેશ થયા નથી. આ પ્રશ્નો અંગે અધ્યાપકોને વધારે વિલંબ તેમજ અન્યાય સહન ન કરવો પડે એ હેતુસર તેમના પ્રથમ ચરણના CAS માટેના જરૂરી આદેશ તાત્કાલિક અસરથી પ્રસિદ્ધ કરવા તેમજ ઉચ્ચતર પગારધોરણના બાકીના બે તબક્કા (ગ્રેડ પે 8000 તેમજ ગ્રેડ પે 9000) 31 જુલાઇ 2025 સુધીમાં પૂર્ણ કરવા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવી અધ્યાપક મંડળની માગણી છે,