સુરતમાં મ્યુનિ શાળાઓમાં વિદ્યાર્થીઓને ધોરણ 12 સુધીના શિક્ષણની સુવિધા
- બાળકોને બે ગણવેશ, સ્પોર્ટ્સ યુનિફોર્મ અને બુટ પણ આપશે
- ગરીબ પરિવારોના બાળકો માટે સુમન શાળા બની આશીર્વાદરૂપ
- મ્યુનિ. દ્વારા 16000 વિદ્યાર્થીઓ પાછળ 8 કરોડનો ખર્ચ કરશે
સુરતઃ શહેરના મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક સમિતિ હસ્તકની શાળાઓમાં પ્રાયમરીથી લઈને 12માં ધોરણનું શિક્ષણ મળી રહે તો માટેની વ્યવસ્થા કરાતા તેને સારોએવો પ્રતિસાદ મળી રહ્યો છે. એક જ શાળામાં શિક્ષણ અપાતું હોવાથી ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે. અત્યાર સુધી ધોરણ 9 સુધીના વિદ્યાર્થીઓને મફત યુનિફોર્મ આપવામાં આવતો હતો, હવે 12માં ધોરણ સુધીના મ્યુનિ.શાળાના વિદ્યાર્થીઓને પણ યુનિફોર્મ આપવામાં આવશે.
સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શિક્ષણ ક્ષેત્રે મોટું કામ કરવામાં આવી રહ્યું છે. દેશની એકમાત્ર એવી મ્યુનિ.કોર્પોરેશન છે, જે ધોરણ 10, 11 અને 12 સુધી વિદ્યાર્થીઓને અભ્યાસની વ્યવસ્થા કરી રહી છે. ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે સુમન શાળા આજે આશીર્વાદરૂપ થઈ રહી છે. ગરીબ તેજસ્વી વિદ્યાર્થીઓ અહીં ખૂબ સારા માર્ક્સ લાવીને ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા પણ પાસ કરી રહ્યા છે.
સુરત મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ધોરણ 8થી 9 સુધી ભણતા લાખો વિદ્યાર્થીઓને પોતાના ફંડમાંથી વિદ્યાર્થીઓને કરોડો રૂપિયાના ખર્ચે દર વર્ષે બે યુનિફોર્મ, એક સ્પોર્ટ્સ યુનિફોર્મ અને શૂઝ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે તેનાથી પણ આગળ વધીને ધોરણ 10, 11 અને 12માં ભણતા વિદ્યાર્થીઓને પણ યુનિફોર્મ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. માત્ર બે યુનિફોર્મ નહીં પરંતુ સાથે-સાથે સ્પોર્ટ્સ માટે એક યુનિફોર્મ અને બુટ-મોજા પણ આપવામાં આવશે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ યુનિફોર્મ પાછળ જે ખર્ચ કરોડો રૂપિયાનો કરી રહી છે, એમાંથી રાજ્ય સરકારની કોઈપણ પ્રકારની ગ્રાન્ડ મળતી નથી, એ મ્યુનિ, સ્વભંડોળમાંથી જ આ ખર્ચ કરી રહી છે.
આ અંગે મ્યુનિના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજન પટેલે જણાવ્યું કે, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં અલગ-અલગ ભાષાઓનું શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ નવ સુધી તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને યુનિફોર્મ પાછળ લગભગ 35 કરોડ રૂપિયા કરતાં વધારેનો ખર્ચ મ્યુનિએ કર્યો છે. આવનાર દિવસોમાં એટલે કે, નવા શૈક્ષણિક ક્ષેત્રથી ધોરણ 10, 11 અને 12માં કુલ 16000 જેટલા વિદ્યાર્થીઓ મ્યુનિની શાળાઓમાં અભ્યાસ કરી રહ્યા છે. આ તમામ વિદ્યાર્થીઓને હવે ગણવેશ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દરેક વિદ્યાર્થીને બે ગણવેશ અને એક્સપોર્ટ યુનિફોર્મ આપવામાં આવશે, જેની પાછળનો કુલ ખર્ચ 8 કરોડ કરતાં વધારેનો થવાનો છે. ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે તે માટે માત્ર શિક્ષણ નહીં, પરંતુ તેમની અન્ય જરૂરિયાતની સુવિધા પણ ઊભી કરવાના મક્કમ નિર્ણય સાથે અમે આગળ વધી રહ્યા છે.