સટ્ટાબાજી એપ કેસમાં EDએ યુવરાજ સિંહ, ઉથપ્પા અને સોનુ સૂદને સમન્સ પાઠવ્યું
નવી દિલ્હીઃ પ્રવર્તન નિયામક નિદેશાલય (ED) એ કથિત ગેરકાયદેસર ઑનલાઇન સટ્ટાબાજી એપ સાથે જોડાયેલા મની લોન્ડરિંગ કેસમાં પૂર્વ ક્રિકેટર રોબિન ઉથપ્પા, યુવરાજ સિંહ અને અભિનેતા સોનુ સૂદને પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હોવાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર આ તમામને ‘1XBet’ નામના પ્લેટફોર્મ સાથે સંકળાયેલા કેસમાં પ્રિવેન્શન ઑફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) હેઠળ સમન્સ મોકલાયા છે. ઉથપ્પાને 22 સપ્ટેમ્બરે, યુવરાજ સિંહને 23 સપ્ટેમ્બરે અને સોનુ સૂદને 24 સપ્ટેમ્બરે હાજર થવા કહેવામાં આવ્યું છે.
EDએ આ જ કેસમાં અગાઉ પૂર્વ ક્રિકેટર સુરેશ રૈના અને શિખર ધવનના નિવેદનો નોંધ્યા છે. સોમવારે તૃણમૂલ કોંગ્રેસની ભૂતપૂર્વ સાંસદ અને અભિનેત્રી મિમી ચક્રવર્તીનું પણ આ મામલે નિવેદન લેવામાં આવ્યું હતું. સૂત્રોના જણાવ્યા મુજબ, બંગાળી અભિનેતા અંકુશ હજરા મંગળવારે નિર્ધારિત સમય પર ED સમક્ષ હાજર થયા હતા, જ્યારે 1XBetની ભારત બ્રાન્ડ એમ્બેસેડર અને અભિનેત્રી ઉર્વશી રૌતેલા હજુ સુધી પોતાની સમન્સ તારીખે હાજર થઈ નથી.
માહિતી મુજબ, આ તપાસ એવા કથિત ગેરકાયદેસર સટ્ટાબાજી એપને લઈને છે, જેમણે રોકાણકારો અને સામાન્ય લોકોને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હોવાનો આક્ષેપ છે અને સાથે જ કરચોરીનો પણ શંકાસ્પદ મુદ્દો સામે આવ્યો છે. કંપની 1XBetના દાવા મુજબ તે છેલ્લા 18 વર્ષથી આંતરરાષ્ટ્રીય સ્તરે સટ્ટાબાજી ક્ષેત્રમાં કાર્યરત છે અને તેની વેબસાઇટ તથા એપ 70થી વધુ ભાષાઓમાં ઉપલબ્ધ છે, જેમાં ગ્રાહકો હજારો રમતો પર દાવ લગાવી શકે છે.