ઊંઘની અછતથી વધે છે ડિપ્રેશન અને હૃદયરોગનો ખતરો
ઊંઘ માનવજીવનની એક એવી પ્રક્રિયા છે, જે શરીર અને મન બંનેને તંદુરસ્ત રાખે છે. જ્યારે આપણે ઊંઘીએ છીએ ત્યારે શરીર પોતાને રિપેર કરે છે અને મગજ આખા દિવસની થાકમાંથી આરામ મેળવે છે. પૂરતી ઊંઘ હોર્મોનલ સંતુલન જાળવે છે, જેના કારણે મૂડ, એકાગ્રતા અને ઊર્જા સ્તર સ્થિર રહે છે. પરંતુ જો ઊંઘ અધૂરી રહે, તો શરીરમાં થાક, ચિડચિડાપણું અને નબળાઈ અનુભવાય છે. લાંબા સમય સુધી ઓછું સૂવાથી મગજની કાર્યક્ષમતા ઘટે છે અને યાદશક્તિ પર પણ અસર પડે છે.
ડૉક્ટરોના જણાવ્યા મુજબ, પૂરતી ઊંઘ ન મળવાથી મગજમાં સેરોટોનિન અને ડોપામિન જેવા “હેપિનેસ હોર્મોન”નું સ્તર ઘટે છે, જેના કારણે વ્યક્તિ ઉદાસી, ચીડિયાપણું અને નકારાત્મકતા અનુભવે છે. સમય જતા આ પરિસ્થિતિ ડિપ્રેશન તરફ દોરી શકે છે. ઉપરાંત ઊંઘની અછત તણાવ, ચિંતા, માથાનો દુખાવો, બ્લડ પ્રેશર અને ઈમ્યુન સિસ્ટમ કમજોર થવા જેવા જોખમ પણ વધારતી હોય છે. નિરંતર ઊંઘ ન પૂરી થવાથી શરીર થાકી જાય છે અને મન એકાગ્રતા ગુમાવી દે છે. લાંબા ગાળે આ સ્થિતિ હાર્ટ ડિઝીઝ, મોટાપો અને ડાયાબિટીસ જેવા રોગોનું કારણ બની શકે છે.
તબીબોના મતે જણાવે છે કે ઊંઘની જરૂર વ્યક્તિની ઉંમર પર આધારિત હોય છે. પ્રૌઢો માટે રોજ 7 થી 8 કલાક ઊંઘ આવશ્યક છે. આવી જ રીતે કિશોરો માટે 8 થી 10 કલાક તેમજ બાળકો માટે 9 થી 11 કલાક ઊંઘ શ્રેષ્ઠ માનવામાં આવે છે. પૂરતી ઊંઘ શરીરને ઊર્જા આપે છે, મગજનું કાર્ય સુધારે છે અને ઈમ્યુન સિસ્ટમ મજબૂત કરે છે. તે મૂડને સ્થિર રાખે છે અને તણાવ નિયંત્રિત કરવામાં મદદરૂપ છે. સારી ઊંઘ લેતા લોકોમાં ધ્યાન, યાદશક્તિ અને નિર્ણય ક્ષમતા વધુ સારી રહે છે.
- સારી ઊંઘ માટે જરૂરી ટીપ્સ
સુતા પહેલાં મોબાઈલ કે ટીવી સ્ક્રીનથી દૂર રહો.
રાત્રે કેફીન અથવા ભારે ભોજન ન લો.
રૂમમાં શાંત અને હળવી રોશનીનું વાતાવરણ રાખો.
દરરોજ એક નિશ્ચિત સમય પર સૂવાની અને જાગવાની આદત બનાવો.
ધ્યાન કે હળકું યોગ પણ ઊંઘને ઊંડી બનાવવામાં મદદરૂપ છે.