રેતી તસ્કરી કૌભાંડમાં કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં ઈડીની 20થી વધુ સ્થળોએ દરોડા
કોલકાતાઃ પ્રવર્તન નિદેશાલય (ED) એ સોમવારે કોલકાતા સહિત પશ્ચિમ બંગાળમાં 20થી વધુ સ્થળોએ એકસાથે દરોડા પાડ્યા હતા. એક વરિષ્ઠ અધિકારીએ માહિતી આપી કે આ કાર્યવાહી રેતી તસ્કરી રેકેટમાં સંડોવાયેલા લોકો અને તેમના વ્યવસાયો સામે કરવામાં આવી છે. ઈડી દ્વારા બેહાલા, રીજન્ટ પાર્ક, બિધાનનગર અને કલ્યાણી સહિત અનેક વિસ્તારોમાં રેતી તસ્કરી કૌભાંડને લઈને દરોડા પાડવામાં આવી રહ્યા છે. ઈડી અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં કેન્દ્રીય સુરક્ષા દળના જવાનો પણ હાજર રહ્યા હતા. આ દરોડાની કાર્યવાહીનું કેન્દ્ર પશ્ચિમ બંગાળના ઝારગ્રામનો કુખ્યાત રેતી તસ્કર શેખ જહીરુલ રહ્યો છે. ઈડીના અધિકારીઓએ ઝારગ્રામના ગોપીબલ્લવપુર ખાતે સુવર્ણરેખા નદીની પાસે આવેલા શેખ જહીરુલના નિવાસ સ્થાને તપાસ કરી છે.
એક અધિકારીએ જણાવ્યું કે, “જહીરુલના ઘર, ઓફિસ અને વાહનોની તલાશી લેવામાં આવી રહી છે. તેના પર ગેરકાયદેસર રેતી ખનન અને તેની હેરાફેરીમાં સંડોવાયેલા હોવાનો આરોપ છે.” ઈડીએ જહીરુલના મકાનમાંથી મોટી રકમની રોકડ પણ જપ્ત કરી છે. શેખ જહીરુલ અનેક રેતી ખાણોના માલિક છે. રેતી ખનનના ધંધામાં જોડાય તે પહેલાં તે સાયકલ મિકેનિક તરીકે કામ કરતો હતો અને બાદમાં ગ્રામ પોલીસમાં પણ ફરજ બજાવી હતી. ઈડીએ જહીરુલ સિવાય તેના નિકટના અન્ય ઘણા લોકોના સ્થળોએ પણ દરોડા પાડ્યા છે. અધિકારીઓનું કહેવું છે કે આ અભિયાન ગેરકાયદેસર રેતી વેપાર સાથે જોડાયેલા નાણાકીય નેટવર્કનો પર્દાફાશ કરવાનો છે. ઈડીને શંકા છે કે આ રેકેટ દ્વારા મોટી માત્રામાં પૈસા વિવિધ વીમા કંપનીઓ અને વ્યાવસાયિક એકમોમાં રોકાયા છે.
કોલકાતા ખાતે ઈડીએ એક ખનન કંપનીના બેહાલા અને સોલ્ટલેક સેક્ટર-5માં આવેલા કચેરીઓની પણ તપાસ કરી. અધિકારીઓએ જણાવ્યું કે દરોડા દરમિયાન અનેક બેંક એકાઉન્ટના કાગળો અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે. કંપનીના ખાતાઓની તપાસ ચાલુ છે અને કર્મચારીઓની પૂછપરછ પણ કરવામાં આવી રહી છે.