બોગસ પાસપોર્ટ કૌભાંડ મામલે પશ્ચિમ બંગાળમાં ઈડીના દરોડા
કોલકાતાઃ દેશભરમાં હાલમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) સતત કાર્યવાહી કરી રહ્યું છે. આ જ અભિયાનના ભાગરૂપે, ઈડીની ટીમે પશ્ચિમ બંગાળમાં બોગસ પાસપોર્ટ કૌભાંડના મામલે મોટાપાયે દરોડા પાડ્યાં છે. ઈડી અધિકારીઓના જણાવ્યા મુજબ, ધરપકડ કરાયેલ આરોપી વ્યવસાયે કારપેન્ટર છે, પરંતુ તે બોગસ પાસપોર્ટ તૈયાર કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિમાં સંકળાયેલો હતો. તેમજ કેટલાક બોગસ પાસપોર્ટ વિદેશ મોકલવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
દરોડાની કાર્યવાહી દરમિયાન મહત્વપૂર્ણ દસ્તાવેજો અને ઇલેક્ટ્રોનિક ડિવાઈસીસ જપ્ત કરવામાં આવ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે, “આ વ્યક્તિ પાસેથી પૂછપરછ ચાલુ છે અને તેના નેટવર્ક વિશે વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.”
અત્રે ઉલ્લેખનીય છે કે, ઈડીની ટીમે ગયા ઓક્ટોબર મહિનામાં ચકદાહ વિસ્તારથી ઈંદુભૂષણ હાલદાર નામના વ્યક્તિને ધરપકડ કરી હતી. તેના પર આરોપ હતો કે તેણે એક પાકિસ્તાની એજન્ટને બંગલાદેશી નાગરિકોને ગેરકાયદેસર રીતે ભારતીય પાસપોર્ટ મેળવવામાં મદદ કરી હતી. ઈંદુભૂષણ હાલદારની પૂછપરછ દરમિયાન જ આ આ કારપેન્ટરનું નામ સામે આવ્યું હતું, જેના આધારે ઈડીની ટીમે તાજેતરમાં આ કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ, આ તપાસ દરમિયાન અન્ય કેટલાક લોકોનાં નામ પણ સામે આવવાની શક્યતા છે.
ઈડીના સૂત્રો મુજબ, પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે આ રેકેટ માત્ર સ્થાનિક જ નહીં, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ફેલાયેલુ છે. આશંકા છે કે બોગસ દસ્તાવેજો તૈયાર કરીને અન્ય દેશોમાં મોકલવામાં આવતા હતા. હાલ ઈડીની ટીમ આ સમગ્ર નેટવર્કના માસ્ટરમાઈન્ડ સુધી પહોંચવા માટે તપાસમાં લાગી ગઈ છે. અધિકારીઓનું કહેવું છે કે આવતા દિવસોમાં આ કેસમાં મોટા ખુલાસા થવાની સંભાવના છે, જે દેશની સુરક્ષા અને દસ્તાવેજોની પ્રામાણિકતા સાથે જોડાયેલા ગંભીર પ્રશ્નો ઉભા કરી શકે છે.