કોલ્ડ્રિફ કફ સિરપ કૌભાંડમાં ઈડીએ શ્રીસન ફાર્માના 7 સ્થળોએ દરોડા પાડ્યાં
ચેન્નઈઃ કોલ્ડ્રિફ કફ સિરપના કારણે અત્યાર સુધી અનેક બાળકોનાં મોત થયાના કેસમાં પ્રવર્તન નિર્દેશાલય (ED) એ સોમવારે ચેન્નઈમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે. ઈડીએ શ્રીસન ફાર્માના કુલ 7 સ્થળોએ દરોડાની કાર્યવાહી કરી છે. આ દરમિયાન કંપનીના કચેરીઓ ઉપરાંત તમિલનાડુ ડ્રગ કન્ટ્રોલ ઓફિસના વરિષ્ઠ અધિકારીઓના ઘર અને ઓફિસોમાં પણ તપાસ કરવામાં આવી છે. આ કાર્યવાહી ધનશોધન નિવારણ કાયદા (PMLA) હેઠળ કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કોલ્ડ્રિફ કફ સિરપ પીવાથી અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 20 બાળકોનાં મોત થયાં છે, જેમાંથી મોટાભાગનાં બાળકો પાંચ વર્ષથી નાની ઉંમરના હતાં. ઈડીની ટીમો વિવિધ સરકારી તેમજ ખાનગી સ્થળોએ દસ્તાવેજો તપાસી રહી છે. કેન્દ્રીય ઔષધ ધોરણ નિયંત્રણ સંગઠન (CDSCO) એ જણાવ્યું છે કે કાંચીપુરમ સ્થિત શ્રીસન ફાર્માએ 2011માં તમિલનાડુ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (TNFDA) પાસેથી લાઈસન્સ મેળવ્યું હતું. છતાં પણ કંપનીએ પોતાના ખરાબ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રાષ્ટ્રીય દવાઓના સલામતી નિયમોના અનેક ઉલ્લંઘનો છતાં દાયકાથી વધુ સમય સુધી ઉત્પાદન ચાલુ રાખ્યું હતું. તપાસ દરમિયાન કફ સિરપમાં ડાયઇથિલિન ગ્લાયકોલ (DEG) નામનું અત્યંત ઝેરી પદાર્થ જોખમી સ્તરે મળ્યું હતું. દરમિયાન શ્રીસન ફાર્માસ્યુટિકલ્સના માલિક જી. રંગનાથનને મધ્ય પ્રદેશ પોલીસે 9 ઑક્ટોબરે ધરપકડ કરી હતી.
ગેમ્બિયામાં વર્ષ 2022 દરમિયાન પણ ઝેરી કફ સિરપના કારણે અનેક બાળકોનાં મોત થયા હતાં. તે વખતે આ દવાઓ ભારતની કંપનીઓ દ્વારા મોકલવામાં આવી હતી. તેમાં હરિયાણાની મેડેન ફાર્માસ્યુટિકલ્સ અને દિલ્હી સ્થિત મેરિયન બાયોટેક કંપનીઓ વિવાદમાં સપડાઈ હતી. વિશ્વ આરોગ્ય સંસ્થાએ (WHO) ત્યારબાદ ચેતવણી આપીને આવા ઝેરી કફ સિરપને તાત્કાલિક બજારમાંથી હટાવવાનો આદેશ આપ્યો હતો. આ મામલે હવે ફરી એકવાર ભારતીય ફાર્મા ઉદ્યોગની સલામતી પ્રણાલીઓ અને સરકારની દેખરેખ પર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.