ઠંડીમાં રોજ ગોળ ખાવો શરીર માટે ખૂબ લાભદાયક, જાણો ફાયદા
શિયાળાની સીઝન શરૂ થતા જ શરીરને ગરમ રાખતી અને પાચન તંત્ર મજબૂત કરતી વાનગીઓની માંગ વધી જાય છે. આવા સમયમાં ગોળ સર્વોત્તમ પ્રાકૃતિક મીઠાસ છે, જે માત્ર સ્વાદ જ નથી વધારતું પરંતુ શરીરને ઊર્જા, આયર્ન અને રોગપ્રતિકારક શક્તિ પણ પૂરાં પાડે છે. જે લોકોને ઠંડીમાં ગળ્યું ખાવાની ક્રેવિંગ થાય છે તેઓ માટે ગોળ ઉત્તમ વિકલ્પ છે. જમ્યા પછી ગોળ ખાવાથી પાચન ઝડપી થાય છે અને શરીરને જરૂરી ગરમાશ મળે છે.
- ગોળ અને ઘી ( પરંપરાગત પણ સુપર હેલ્ધી જોડાણ)
જમ્યા પછી થોડું ગળ્યું ખાવાનું મન થાય ત્યારે તમે ગોળ અને ઘી ખાઈ શકો છો. તેને રોટલી સાથે ખાઓ અથવા ચૂર્માના લાડુ પણ બનાવી શકો છો. આ સંયોજન શરીર માટે ઊર્જાદાયક અને પાચક છે.
- ગોળ અને સીંગદાણા (ચિક્કી જેવી મજેદાર મીઠાઇ)
મગફળી ને તાપેલી રાખો, તેનાં ફોતરાં કાઢી લો અને એમાં ભાંગેલો ગોળ મિક્સ કરો. જો ઇચ્છો તો ગોળને થોડા ઘીમાં પીગાળીને સીંગદાણા ભેળવો અને એક સ્વાદિષ્ટ ઘરેલું ચિક્કી જેવા મિશ્રણનો આનંદ મેળવો. ઠંડીમાં હેલ્થ માટે આ શ્રેષ્ઠ નાસ્તો છે.
- ગોળ અને ચણા (તંદુરસ્તીનું શક્તિશાળી કોમ્બો)
શિયાળામાં ગોળ-ચણા શરીરને ઇન્સ્ટન્ટ એનર્જી આપે છે. તમે ચણાને ગોળ સાથે સીધા મિક્સ કરીને ખાઈ શકો છો અથવા ચિક્કીની જેમ પીગાળેલા ગોળમાં ચણા ભેળવીને સાચવી શકો છો.
- ગોળ અને તલ ( હાડકાં અને ગરમાશ માટે ઉત્તમ)
તલને હળવે રોસ્ટ કરીને ભાંગેલા ગોળ સાથે મિક્સ કરો અથવા થોડા ઘીમાં ગોળ પીગાળી ને રોસ્ટ કરેલા તલ ભેળવો. આ મિશ્રણ શરીરને ગરમ રાખે છે અને શિયાળાના દિવસો માટે પરફેક્ટ સુપરફૂડ છે.
- ગોળનું ચૂરમું (સ્વાદ પણ અને આરોગ્ય પણ)
શાક બનાવવા મન ન હોય તો ગોળ-રોટલીનું ચૂરમું શ્રેષ્ઠ વિકલ્પ છે. કોઈપણ લોટની રોટલીને ભૂકી બનાવી તેમાં ગોળ મિક્સ કરો અને ગરમ ઘી ઉમેરી દો. ઇચ્છો તો રોસ્ટેડ ડ્રાયફ્રુટ્સ પણ ઉમેરી શકો છો. આ ભરપૂર અને હેલ્ધી વાનગી ઠંડીમાં શરીરને ઊર્જાવાન રાખે છે.