પૂર્વ સ્પેન: બાલેન્સિયામાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ
- ભારે વરસાદને પગલે જનજીવનને વ્યાપક અસર
- ચિવા ખાતે આઠ કલાકમાં 20 ઈંચ જેટલો વરસાદ
નવી દિલ્હીઃ પૂર્વ સ્પેનના બાલેન્સિયામાં ભારે વરસાદના પગલે પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. ભારે વરસાદને પગલે જનજીવનને પણ વ્યાપક અસર થઈ છે એટલું જ નહીં પૂરમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયાનું જાણવા મળે છે. આ ઉપરાંત વાલેન્સિયાના ચિવા ખાતે આઠ કલાકમાં લગભગ 20 ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો.
પૂર્વ સ્પેનના બાલેન્સિયા વિસ્તારમાં આવેલા પૂરમાં મૃતકોની સંખ્યા વધીને 95 થઈ છે. ગઈકાલે મુશળધાર વરસાદના કારણે અચાનક પૂર આવતાં અનેક કાર પાણીમાં વહી ગઈ હતી. જ્યારે રેલવે લાઈન અને રાજમાર્ગ પર વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો.
હજી પણ આંતરિયાળ વિસ્તારોમાં તપાસ અભિયાન ચાલી રહ્યું છે. જ્યારે એક હજારથી વધુ સૈનિકો રાહત અને બચાવકાર્યમાં તહેનાત છે. સ્પેનની સરકારે બચાવકાર્યના સંકલન માટે એક કટોકટી સમિતિ બનાવી છે. સ્પેનની હવામાન સેવા A.E.M.E.T.એ જણાવ્યું કે, વાલેન્સિયા વિસ્તારના ચિવા ખાતે માત્ર આઠ કલાકમાં 491 મિલીમીટર વરસાદ નોંધાયો હતો, જે એક વર્ષના વરસાદ બરાબર છે.