ગુજરાતમાં ટોલનાકા પર વાહનનો વિમો, ફિટનેસ અને પીયુસી ન હોય તો ઈ-મેમો ઈસ્યુ થશે
- રાજ્યનાં 80 ટોલ પ્લાઝા પર ઇ-ડિટેક્શન મેમોની શરૂઆત
- હાલ કોમર્શિયલ વાહનો માટે ઈ-મેમો અપાય રહ્યો છે
- આગામી દિવસોમાં ખાનગી વાહનોને પણ ઈ-મેમો અપાશે
અમદાવાદઃ ગુજરાતમાં ટોલ નાકા પર હવે વાહનોમાં વિમો, ફિટનેસ કે પીયુસી નહીં હોય તો ઓટોમેટિક ઈ-મેમો જનરેટ થશે. અને વાહનમાલિકના મોબાઈલ પર દંડ ભરવા માટેનું ઈ-ચલણ મોકલી દેવાશે. જોકે હાલ માત્ર કોમર્શિયલ વાહનો માટે જ આ નિયમ લાગુ કરવામાં આવ્યો છે. અને આવનારા દિવસોમાં તમામ ખાનગી વાહનોને પણ આ નિયમ લાગુ પડશે.
ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા ઇ ડિટેકશન પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ટોલ પ્લાઝા પર ફાસ્ટ ટેગની જેમ ટ્રાન્સપોર્ટ વાહનની માહિતી સર્વર સાથે કનેક્ટ થઈ જશે. જેમાં ઇન્શ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ વગરનાં વાહનોને ઇ ડિટેક્શન દ્વારા સીધો ઇ મેમો જનરેટ કરવામાં આવશે. આાગામી દિવસોમાં આ સિસ્ટમમાં ખાનગી વાહનોને પણ સમાવી લેવામાં આવશે.
તાજેતરમાં જ વાહન વ્યવહાર કમિશનરની કચેરી દ્વારા સમગ્ર ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇ ડિટેક્શન પ્રોજેક્ટની અમલવારી કરવામાં આવી છે. જેમાં સમગ્ર રાજ્યમાં જેટલાં પણ ટોલ પ્લાઝા આવેલાં છે, ત્યાં ટ્રાન્સપોર્ટ વાહનનો ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ નથી, તો સીધું જ ઈ ડિટેક્શન ટોલ પ્લાઝા પર થશે અને વાહનનો ઈ મેમો જનરેટ થઈ જશે. NIC દ્વારા આ પ્રોજેકટ હેઠળ ઇ ડિટેક્શન અને વાહન એપ્લિકેશન સાથે ઇન્ટ્રિગ્રેટેડ કરવામાં આવી છે અને તેના દ્વારા આ ઇ ચલણ જનરેટ કરવામાં આવશે. રાજ્યના 80થી વધુ ટોલ પ્લાઝા પર આ ઇ ડિટેક્શન મેમોની શરૂઆત થઈ ગઈ છે. હાલ આ માત્ર ટ્રાન્સપોર્ટ વાહનો માટે નિયમો લાગુ કરાયા છે. ટ્રાન્સપોર્ટ વાહનો માટે ઇન્સ્યોરન્સ, પીયુસી અને ફિટનેસ હોય તો ટોલ પ્લાઝા પરથી વાહન પસાર થશે. ત્યારબાદ તેના ડેટાના આધારે ઈ મેમો ઇસ્યૂ કરવામાં આવશે. જે તે વાહનચાલકને વાહનમાં જે મોબાઈલ નંબર અપડેટ હશે તેના મોબાઈલ નંબર પર ટેક્સ મેસેજ દ્વારા જાણ કરવામાં આવશે.