વોટ્સએપ પર ઈ-ચલણની ભરવા લીંન્ક મોકલી, ડાઉનલોડ કરતા બેન્કમાંથી બે લાખ ઉપડી ગયા
- સુરત શહેરમાં સાયબર ફ્રોડનો વધુ એક કેસ નોંધાયો,
- ઠગબાજે હીરાના વેપારીને વોટ્સએપ પર 'ઈ-ચલણ રિપોર્ટ'ની APK ફાઇલ મોકલી હતી,
- ફાઈલ ડાઉનલોડ કરતા મોબાઈલ ફોન હેક થયો
સુરતઃ સાયબર માફિયાઓ અવનવી તરકીબોથી લોકોના બેન્ક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે. ત્યારે સાયબર માફિયાએ શહેરના એક હીરાના વેપારીના મોબાઈલ ફોનના વોટ્સએપ પર 'ઈ-ચલણ રિપોર્ટ'ની APK ફાઇલ મોકલીને તેમનો મોબાઈલ હેક કર્યો હતો, અને વેપારીના બેંક ખાતામાંથી બે લાખની રકમ ઉપાડી લીધી હતી. જઆ અંગે ઉત્રાણ પોલીસ મથકમાં ફરિયાદ નોધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવની વિગત એવી છે કે, ફરિયાદી ભરતભાઈ કાળુભાઈ કેવડિયા (ઉ.વ. 48, રહે. પનવેલ પેલેસ, મોટા વરાછા), જેઓ હીરાના કારખાનાનો વ્યવસાય કરે છે, તેમણે અજાણ્યા વોટ્સએપ નંબરના ધારક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે.પોલીસ ફરિયાદની વિગતો મુજબ, આ ઘટના તા. 01/09/2025 ના રોજ બપોરે 2:30 થી 3:00 વાગ્યા દરમિયાન બની હતી. કોઈ અજાણ્યા આરોપીએ ભરતભાઈના વોટ્સએપ નંબર પર "E-Challan Report.apk" નામની એક શંકાસ્પદ ફાઇલ મોકલી હતી. ઈ-ચલણની વાતથી ભોળવાઈને ફરિયાદીએ જેવી આ APK ફાઇલ ડાઉનલોડ કે ઇન્સ્ટોલ કરી, કે તરત જ આરોપીએ તેમનો મોબાઇલ ફોન હેક કરી લીધો હતો.મોબાઈલ હેક થયા બાદ, આરોપીએ ફરિયાદીના Federal Bank ના ખાતા માંથી છળકપટ કરીને એકસાથે કુલ 2 લાખ રૂપિયાની રકમ ઉપાડી લીધી હતી.
આ બનાવની ઉત્રાણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસ ઈન્સ્પેક્ટર એન.જી. પટેલ વધુ તપાસ કરી રહ્યા છે. તેમણે લોકોને ચેતવણી આપી છે કે, કોઈપણ અજાણ્યા નંબર પરથી આવતી APK ફાઇલ કે લિંકને ખોલવી કે ડાઉનલોડ કરવી નહીં, કારણ કે તે તમારા ફોનનો કંટ્રોલ હેકર્સને આપી શકે છે અને બેંક ખાતા ખાલી કરી શકે છે. સાયબર ગઠિયાઓની નવી મોડસ ઓપરેન્ડીથી વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.