હીરા ઉદ્યોગમાં વ્યાપક મંદીને લીધે કારખાનેદારોએ ઘંટીઓ વેચવા કાઢી
- સુરતના વરાછા અને કતારગામમાં ભંગારના ગોદામોમાં થપ્પા લાગ્યા
- ભાડાના મકાનો ખાલી કરીને કારખાનેદારો ઘંટીઓ સ્ક્રેપમાં આપી દે છે
- પોતાની માલિકીના મકાનો હોય એવા કારખાનેદારો તેજીની રાહ જોઈ રહ્યા છે
સુરતઃ હીરા ઉદ્યોગમાં છેલ્લા બે ત્રણ વર્ષથી મંદીની મોકાણ ચાલી રહી છે. જેમાં છેલ્લા વર્ષમાં વ્યાપક મંદીને લીધે મોટી સંખ્યામાં હીરાના કારખાના બંધ થતાં રત્નકલાકારો બેરોજગાર બન્યા છે. સાથે હીરાના કારખાનેદારોની હાલત પણ કફોડી બની છે. મંદીમાં હીરાના કારખાના ચલાવવા માટે ઘણા કારખાનેદારોએ વ્યાજે રૂપિયા લીધા છે. તેજી આવશે તો દેવું ભરપાઈ થઈ જશે એવી આશા હતી. પણ મંદી વ્યાપક બનતા હવે ભાડાના મકાનોમાં ચાલતા હીરાના કારખાનેદારો મકાન ખાલી કરીને હીરાની ઘંટીઓ સહિતનો સરસામાન સ્ક્રેપમાં વેચી રહ્યા છે. જેથી શહેરના વરાછા-કતારગામમાં ભંગારના ગોડાઉનમાં ઘંટીઓના થપ્પા લાગ્યા છે.
ગુજરાતમાં સુરત હીરા ઉદ્યોગનું મુખ્ય મથક ગણાય છે. આ ઉપરાંત ભાવનગર, અમરેલી, બોટાદ જિલ્લા સહિત અન્ય જિલ્લાઓમાં પણ હીરાના કારખાના આવેલી છે. સુરત શહેર સહિત મોટાભાગના શહેરોમાં હીરાના કારખાનાને ખંભાતી તાળાં લાગી ગયા છે. હીરા બજાર લાંબા સમયથી મંદીનો માર સહન કરી રહ્યું છે, જેની અલગ-અલગ આર્થિક-સામાજિક અસરો સુરતમાં જોવા મળી રહી છે. મંદીની આ અસર હવે વરાછા અને કતારગામ વિસ્તારમાં આવેલા ભંગારના ગોડાઉનમાં દેખાઈ આવી છે. હીરાના નાના યુનિટો બંધ થઈ રહ્યા છે અને કારખાનેદારો તેમની ઘંટીઓ સ્ક્રેપમાં વેચી રહ્યા છે. સ્થિતિ એ છે કે હીરાની ઘંટીઓથી સ્ક્રેપના ગોડાઉનો ઉભરાઈ ગયા છે. ભંગારના ગોદામવાળા પણ કહી રહ્યા છે. કે, ઘંટી વેચવાવાળા ઘણા આવી રહ્યા છે પણ ખરીદવા માટે કોઈ આવતું નથી.
શહેરમાં હીરા ઉદ્યોગમાં છેલ્લા કેટલાક સમયથી મંદીનો માહોલ ચાલી રહ્યો હોવાના કારણે નાના નાના ઘણા બધા યુનિટો બંધ થઈ ગયા છે તો ઘણા બધા કારીગરોએ હીરાનો ધંધો છોડીને અન્ય જગ્યાએ રોજગારી માટેની તલાશ આદરી દીધી છે. કોઈએ નાના-મોટા વ્યવસાય સ્વીકારીને પરિવારનું ગુજરાન ચાલી શકે તેવી વ્યવસ્થા કરવા લાગ્યા છે. વરાછા વિસ્તારમાં મહાદેવ નગર, સવાણી એસ્ટેટ અને ભવાની સર્કલ નજીક ઘણા બધા સ્ક્રેપના ગોડાઉનો આવેલા છે.