દિવાળીના પ્રવાસી ધસારાને લીધે STની 750 એક્સ્ટ્રા બસો દોડાવી 2.6 કરોડની આવક થઈ
- એસટીની એક્સ્ટ્રા બસોની 1259 ટ્રિપમાં 67 હજાર પ્રવાસીઓએ લાભ લીધો,
- સુરતથી વિવિધ જિલ્લાઓ માટે એસટીની એક્સ્ટ્રા બસો દોડાવાઈ,
- એસટી નિગમ દ્વારા બસોને ટ્રેક કરવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો
સુરતઃ દિવાળીના તહેવારોમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે એકસ્ટ્રા બસો દોડાવવાથી એસટી વિભાગને ₹ 2.6 કરોડથી વધુની આવક થઈ હતી. સુરતથી વિવિધ જિલ્લાઓમાં 1259 એસટી બસોની ટ્રિપમાં 67 હજારથી વધુ મુસાફરોએ યાત્રા કરી હતી.
સુરત એસટી વિભાગમાંથી અમરેલી, સાવરકુંડલા, મહુવા, ભાવનગર, દાહોદ, ઝાલોડા અને ઊના જેવા વિસ્તારોમાં વધારાની બસો દોડાવવામાં આવી હતી. આ બસોએ મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી સુરક્ષિત અને સમયસર પરિવહન સુનિશ્ચિત કર્યું હતું સાથે તંત્રની આવકમાં પણ નોંધપાત્ર વધારો થયો હતો.
આ ઉપરાંત રાજ્યના ઘણા જિલ્લાઓ માટે એસટી બસો દોડાવાવવામાં આવી હતી. GSRTC એ 16 ઓક્ટોબરથી સૌરાષ્ટ્ર, રાજકોટ, પોરબંદર, અમદાવાદ, ઉત્તર ગુજરાત, પંચમહાલ અને દાહોદના રૂટ પર વધારાની બસો ચલાવી હતી. 16થી 20 ઓક્ટોબર સુધી 362થી વધુ વધારાની બસ દોડી હતી. ટિકિટ બુકિંગ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. મંગળવાર સુધીમાં 750 વધારાની બસ દોડાવાઈ હતી, જેમાં 67 હજારથી વધુ મુસાફરો હતા. નિગમે ભીડને નિયંત્રિત કરવા માટે ખાસ કર્મચારીઓ તૈનાત કર્યા છે અને બસોને ટ્રેક કરવા માટે કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યો છે. પ્રવાસીઓને કોઈ અસુવિધા ન થાય તે માટે આગામી બે દિવસ માટે વધુ વધારાની બસોનું આયોજન કરવામાં આવ્યું છે. સુરત બસ ડેપો અને અડાજણ, ઉધના અને વરાછા જેવા બસ સ્ટેન્ડ પર સવારથી મોડી રાત સુધી પ્રવાસીઓની લાંબી કતારો જોવા મળી હતી.