હાઈવે પરનો ગંભીરા બ્રિજ તૂટતા સૌરાષ્ટ્રથી દક્ષિણ ગુજરાત જવા 50 કિ.મી વધારે ફરવું પડશે
- દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે હવે માત્ર વાસદ થઈને જવું પડશે,
- તમામ વાહનો વાસદ રોડ પર ડાયવર્ટ થતાં ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક જામની શક્યતા,
- સુરતના હજીરાથી રો-રો ફેરી મારફતે ભાવનગર પહોંચી શકાશે,
અમદાવાદઃ મધ્યગુજરાતને સૌરાષ્ટ્ર સાથે જોડતો મહી નદી પરનો ગંભીરા પૂલ તૂટી પડતા મૃત્યુઆંક 15એ પહોંચ્યો છે. મહત્વનો આ બ્રિજ તૂટી જતાં દક્ષિણ અને મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા વાહન વ્યવહારને 50 કિલોમીટરનો ફેરો ફરવો પડશે. દક્ષિણ ગુજરાતથી જતાં તમામ વાહનો વાસદ રોડ પર ડાયવર્ટ કરાયા છે. એટલે ફરીને જતા સમય પણ લાગશે, સુરતથી સૌરાષ્ટ્રનો વાહન-વ્યવહાર વધુ રહેતો હોય છે. ત્યારે હવે 50 કિમીનો ફેરો વધી જશે.
દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવાનો એકમાત્ર શોર્ટકટ રસ્તો ગંભીરા બ્રિજ થઈને હતો. જોકે, આ બ્રિજ તૂટી જવાને કારણે બંધ કરવામાં આવ્યો છે. તેથી હવે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે લોકોને હવે એકમાત્ર રસ્તો વાસદ થઈને જવું પડશે. જેના માટે વાહનચાલકોને 50 કિમી વધારે ફરવું પડશે. આ સાથે જ દક્ષિણ ગુજરાતથી જતાં તમામ વાહનો વાસદ રોડ પર ડાયવર્ટ કરવાથી ટોલ પ્લાઝા ખાતે ટ્રાફિક થવાની શક્યતાઓ છે.
વડોદરાના પાદરા ખાતે મહી નદી પર ગંભીરા બ્રિજ આવેલો છે. જે તૂટી પડતા બ્રિજના બે ભાગ થઈ ગયા છે. આ દુર્ઘટનામાં 15 લોકોના મોત નિપજ્યા છે. ગંભીરા બ્રિજ તૂટી પડતા જ સરકાર દ્વારા જાહેરનામું પણ બહાર પાડી દેવામાં આવ્યું છે અને વાસદ થઈને વાહનચાલકોને ચાલવા માટે ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. જેના કારણે હવે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા તમામ વાહનચાલકોને હવે વાસદ થઈને જવું પડશે.
પાદરા નજીકનો હાઈવે પર મહી નદી પરનો ગંભીરા બ્રિજ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતા લોકો માટે એક શોર્ટકટ હતો. આ સાથે ટોલટેક્સ ન આપવો પડે તે માટે પણ વાહનચાલકો આ બ્રિજ પરથી પસાર થઈને બોરસદ થઈને તારાપુર જતા હતા. જેનાથી વાસદ ખાતેનો ટોલ પ્લાઝા આવતો ન હતો. જોકે, આ રસ્તો બંધ થઈ જવાને કારણે દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જતાં તમામ વાહનચાલકોને હવે વાસદ થઈને જવું પડશે. જેથી 50 કિલોમીટર જેટલું વધારે વાહનચાલકોને ફરીને જવું પડશે
સુરત ટ્રાવેલ એસોસિએશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર તરફ જતા તમામ વાહનચાલકોને એક અપીલ છે કે, તમામ લોકોએ વાસદ થઈને જ સૌરાષ્ટ્ર જવું. જેના માટે 50 કિલોમીટરનો ફેરો વધી જશે પણ તે રસ્તો પણ ખૂબ જ સારો હોવાથી કોઈ તકલીફ નહીં થાય. દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર જવા માટે હવે માત્ર આ એક જ રસ્તો રહ્યો છે. જેથી ત્યાં થોડો ટ્રાફિક જામ થવાની શક્યતાઓ છે. આ ઉપરાંત સૌરાષ્ટ્ર જવા માટે હજીરા ઘોઘા રો-રો ફેરીનો વિકલ્પ રહે છે. સુરતના હજીરાથી રો-રો ફેરી મારફતે ભાવનગર અને તેની આસપાસના લોકો રો-રો ફેરી મારફતે ભાવનગર પહોંચી શકશે.
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલે કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને પૂર્વ મુખ્યમંત્રીએ રાજ્ય સરકાર પર ગંભીર આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ નેતા જશપાલસિંહ પઢિયારે આક્ષેપ કરતા કહ્યું હતું કે, છેલ્લા 6થી 7 વર્ષથી અમે નવો બ્રિજ બનાવવા માટે રજૂઆતો કરતા હતા, પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવ્યું નહીં અને આજે મોટી દુર્ઘટના બની છે. જ્યારે આ દુર્ઘટના માટે માત્રને માત્ર તંત્ર જવાબદાર હોવાનો સ્થાનિક લોકોએ આક્ષેપ કર્યો હતો.