ગુજરાતમાં હીટવેવને લીધે પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવા શૈક્ષિક મહાસંઘની માગ
- અસહ્ય ગરમીને લીધે બપોર પાળીની પ્રા. શાળાના બાળકો પરેશાન
- રાજ્યના ઘણાબધા જિલ્લાઓમાં તાપમાન 40 ડિગ્રીને વટાવી ગયું છે
- સંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને રજુઆત
અમદાવાદઃ રાજ્યમાં ઉનાળાના પ્રારંભે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. સુરેન્દ્રનગર, કચ્છ સહિત ત્રણ જિલ્લામાં રેલ એલર્ટ આપવામાં આવ્યું છે. રાજ્યના મોટાભાગના શહેરોમાં તામપામનો પારો 40 ડિગ્રીને વટાવી ગયો છે. આમ અસહ્ય ગરમીમાં પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા શૈક્ષિક મહાસંઘે રાજ્ય સરકારને રજુઆત કરી છે.
ગુજરાતમાં માર્ચ મહિનાથી જ તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે આ આકરા તાપમાં બાળકોની સુરક્ષા માટે પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને લેખિતમાં રજૂઆત કરીને હીટવેવને પગલે રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા માગણી કરી છે. મહાસંઘના અધ્યક્ષ અનિરુદ્ધસિંહ સોલંકીએ રજૂઆતમાં જણાવ્યું છે કે, ચાલુ વર્ષે ગરમીના પ્રમાણમાં એકદમ વધારો નોંધાયો છે, અને હાલ ગરમીનો પારો એકદમ વધી રહ્યો છે. બપોરે 11 વાગ્યાથી ગરમીનું પ્રમાણ વધે છે. વિદ્યાર્થીઓ લૂ લાગવી અને બીમાર પડવાની શક્યતા વધી જાય છે. ગરમીના કારણે વિદ્યાર્થીઓની હાજરીમાં અને શૈક્ષણિક કાર્યમાં પણ તેની અસર જોવા મળે છે. ત્યારે શાળાઓનો સમય સવારનો કરવો જોઈએ. જો શાળાઓ બપોરની પાળીમાં ચાલે છે, ઘણીબધી શાળાઓમાં પંખાની સુવિધા પણ નથી, અસહ્ય ગરમીમાં બાળકો બિમાર પડી શકે છે.
હવામાન ખાતા દ્વારા આગામી સમયમાં ગરમીનું પ્રમાણ વધશે તે બાબતે આગાહી ક૨વામાં આવી છે. હાલ ઘણા જિલ્લાઓનું તાપમાન 40-41 ડિગ્રીથી વધારે નોંધાયું છે. આગામી દિવસોમાં તાપમાનમાં રેકોર્ડબ્રેક વધારો થવાની આગાહી પણ કરી છે. ત્યારે ચાલુ વર્ષે પણ રાજ્યની પ્રાથમિક શાળાઓનો સમય સવા૨નો ક૨વા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ ગુજરાત દ્વારા રજૂઆત કરી છે.