For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર દારૂ પીધેલા કારચાલકે વાહનોને અડફેટમાં લીધા

05:58 PM Sep 03, 2025 IST | Vinayak Barot
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા પર દારૂ પીધેલા કારચાલકે વાહનોને અડફેટમાં લીધા
Advertisement
  • નશામાં ધૂત કારચાલકે અન્ય કારને ટક્કર મારી ડિવાઈડર સાથે કાર અથડાવી,
  • લોકોએ દોડી આવીને કારચાલકને બહાર કાઢ્યો,
  • એન ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપી કારચાલકની ધરપકડ કરી

અમદાવાદઃ શહેરના શ્યામલ ચાર રસ્તા પર ગઈ મધરાતે દારૂ પીધેલી હાલતમાં કારચાલકે ફુલ સ્પીડમાં અન્ય કારને ટક્કર મારીને કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. આ બનાવને લીધે લોકોના ટોળેટોળા ઉમટી પડયા હતા અને કાર ચાલકને કારની બહાર કાઢયો હતો, કાર એટલી સ્પીડમાં હતી કે જો અન્ય વાહનો પણ રોડ પર જતા હોત તો તેને પણ અડફેટે લઈ લીધા હોત. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી કારચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

અમદાવાદ શહેરમાં દારૂ પીને રાત્રિના સમયે વાહન ચલાવી અકસ્માત કરવાની ઘટનાઓ વધી રહી છે. બે દિવસ પહેલા ઘાટલોડિયા વિસ્તારમાં મોડી રાત્રે કાર ચાલકે દારૂ પીને કરેલા અકસ્માતની ઘટના બાદ ગઈ મોડી રાત્રે શ્યામલ ચાર રસ્તા પાસે દારૂ પીધેલા કાર ચાલકે કારને ટક્કર મારી અકસ્માત સર્જયો હતો. જોકે આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી. અકસ્માત કરનારા ડ્રાઇવર દારૂ પીધેલી હાલતમાં જણાતા પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ બનાવની વિગત એવી છે કે, શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતા અને આર્મીમાં ફરજ બજાવતા જયેશ પટેલના પત્ની મોડી રાત્રે પોણા ત્રણ વાગ્યાની આસપાસ એરપોર્ટથી નીકળી અને કાર લઈને ઘર તરફ આવી રહ્યા હતા .ત્યારે શ્યામલ ચાર રસ્તા પાસે પૂરપાટ ઝડપે એક કાર ચાલક આવ્યો હતો અને જયેશ પટેલના પત્નીની કારને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર માર્યા બાદ કારમાંથી બે શખ્સ ઉતરીને ફરાર થઈ ગયા હતા. જ્યારે એક વ્યક્તિ કારમાં બેઠેલો હતો. આ મામલે જયેશ પટેલના દીકરીને જાણ થતા તેઓએ જયેશ પટેલને જાણ કરી હતી અને તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળ પર પહોંચતા જયેશ પટેલ અને તેમના પુત્રએ જોતા ગાડીની નંબર પ્લેટ નીકળી ગયેલી હતી અને હાજર વ્યક્તિ અંગે તપાસ કરતા દારૂ પીધેલી હાલતમાં હતો. જેથી પોલીસને જાણ કરવામાં આવતા એન ડિવિઝન ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. કારચાલકનું નામ આયુષ પરમાર (રહે. સોલા ભાગવત ગૌશાળા, સોલા) હોવાનું જાણવા મળ્યું હતું. એન ડિવિઝન ટ્રાફિક પોલીસે આ મામલે ગુનો નોંધી આરોપી કારચાલકની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.

Advertisement

આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે જેમાં જ્યારે કાર શ્યામલ ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે ફૂલસ્પીડે આવેલી કારે ડાબી તરફના ભાગે ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે ગાડી એક તરફ ફંટાઈ ગઈ હતી અને અકસ્માત સર્જનાર કાર પણ રોડની સાઈડમાં ડિવાઇડર તરફ ભટકાઈ હતી.

Advertisement
Tags :
Advertisement