મંદિરને મળેલુ દાન ભગવાનનું, સરકારનું નહીં: હિમાચલ હાઈકોર્ટ
નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશ હાઈકોર્ટે મંદિરના દાનની રકમનો ખોટો ઉપયોગ અટકાવવા માટે ઐતિહાસિક દિશા-નિર્દેશ આપ્યો છે. કોર્ટે નિર્દેશ કર્યો હતો કે, દાનના પૈસાનો ઉપયોગ વેદ, યોગાનું શિક્ષણ, મંદિરોની સંભાળ અને સામાજીક કાર્યો જેવા કે, જાતિવાદ ખત્મ કરવા અને અલગ-અલગ જાતિમાં લગ્નને લઈને કરવો જોઈએ. માર્ગો, પુલોનું નિર્માણ અને અન્ય કાર્યો માટે દાનની રકમનો ઉપયોગ ના કરવો જોઈએ.
હાઈકોર્ટમાં દાખલ અરજી પર સુનાવણી કરતા નોંધ્યું કે, દાનનો અયોગ્ય અને ખાનગી ઉપયોગ અટકાવવા માટે તેને રેગ્યુલેટ કરવું જરુરી છે. આ અરજીની સુનાવણી ન્યાયમૂર્તિ વિવેક સિંહ ઠાકુર અને ન્યાયમૂર્તિ રાકેશ કૈંથલાની ખંડપીઠ સમક્ષ હાથ ધરાઈ હતી.
હાઈકોર્ટે હિન્દુ ધર્મના ઈતિહાસને ધ્યાનમાં રાખીને નિર્દેશ કર્યો હતો. કોર્ટે કહ્યું કે, દાનની રકમનો ઉપયોગ વેદ અને યોગાના શિક્ષણ, અધ્યયન અને પ્રચાર માટે કરવો જોઈએ. આ ઉપરાંત રમકનો ઉપયોગ મંદિરની સંભાળ, પુજારીના વેતન જેવી સુવિધા માટે કરવો જોઈએ. કોર્ટે નોંધ્યું કે, દાનની રમકનો ઉપયોગ ખાનગી કામો માટે કરવો ના જોઈએ. દાનની રકનનો ઉપયોગ માર્ગો, પુલ અને સાર્વજનિક ભવનોના નિર્માણ માટે ન કરવા નિર્દેશ હાઈકોર્ટે કર્યો છે. જે મંદિર સાથે જોડાયેલા ન હોય અને સરકાર દ્વારા બનાવવામાં આવતા હોય.
હાઈકોર્ટે આદેશ આપતા કહ્યું કે, મંદિરમાં કરવામાં આવેલુ દાન ભગવાનનું હોય છે સરકારનું નહીં. દાનમાં મળેલી રકમ સંભાળવાની જવાબદારી મંદિર ટ્રસ્ટની હોય છે. આ નાણાનો ખોટો ઉપયોગ ગુના સમાન છે. કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે, સરકાર આ પવિત્ર દાનને પોતાનો અધિકાર માની લે છે તો તે દાનના દૂરુપયોગની સાથે ધાર્મિક સ્વતંત્રતાનું પણ અપમાન છે.