પાલનપુર અને ડીસા યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતાં ખેડુતોમાં અસંતોષ
- યાર્ડ દ્વારા ખાનગી એજન્સી પાસે સેસની માગણી કરાતા ખરીદી બંધ કરાઈ,
- એજન્સીએ માર્કેટ યાર્ડ બહાર ખરીદી સ્થળ આપવા માગ કરી,
- યાર્ડ અને એજન્સી વચ્ચેના ઝઘડામાં ખેડુતો પરેશાન
પાલનપુરઃ બનાસકાંઠાના સોથી મોટા ગણાતા ડીસા અને પાલનપુર માર્કેટિંગ યાર્ડમાં ખેડુતો પાશેથી ટેકાના ભાવે મગફળી લેવાનું બંધ કરાતા ખેડુતો મુશ્કેલીમાં મુકાયા છે. યાર્ડ અને ખાનગી એજન્સી વચ્ચે માથાકૂટ થતાં એજન્સીએ ખરીદી બંધ કરી દીધી છે. દરમિયાન એજન્સીએ ખરીદી સ્થળ માર્કેટયાર્ડ બહાર આપવા રજૂઆત કરી છે.
બનાસકાંઠાના પાલનપુર- ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થતાં ખેડૂતો મુશ્કેલીમાં મુક્યા છે. ડીસા અને પાલનપુર યાર્ડના સત્તાધિશો ખાનગી એજન્સીઓ પાસે સેસ માગતા હોવાથી એજન્સીએ ખરીદી બંધ કરી દીધી છે. એજન્સીઓના સંચાલકોએ ખરીદી સ્થળ માર્કેટયાર્ડ બહાર આપવા તંત્ર સમક્ષ રજૂઆત કરી છે.
યાર્ડના સૂત્રોના જણાવ્યા મુજબ પાલનપુર અને ડીસા માર્કેટયાર્ડમાં ખાનગી એજન્સીઓ દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરવામાં આવી હતી. જોકે નિયમ મુજબ યાર્ડ દ્વારા સેસની રકમ માગતા એજન્સીઓએ મગફળીની ખરીદી બંધ કરી દીધી છે. ખેડુતો મગફળીને ટેકાના ભાવે વેચવા યાર્ડમાં આવે ત્યારે જ ખબર પડે છે. કે ટેકાના ભાવે ખરીદી બંધ છે. ખેડૂતોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, ડીસા માર્કેટયાર્ડમાં ટેકાના ભાવની મગફળીના 10 સેન્ટર ફાળવ્યા છે. પરંતુ છેલ્લા ચાર દિવસથી ટેકાના ભાવની મગફળીની ખરીદી બંધ છે.
આ અંગે ખાનગી એજન્સીના સૂત્રોએ જણાવ્યું હતુ કે, સરકાર દ્વારા અમારી એજન્સીને ટેકાના ભાવે મગફળી ખરીદવાનું કેન્દ્ર સોંપવામાં આવ્યું છે. આ ખરીદી માર્કેટયાર્ડ પરિસરમાં કરવામાં આવતી હોય માર્કેટયાર્ડ અમારી પાસે સેસ માંગી રહી છે. જેથી ખરીદી બંધ કરી છે. અમને માર્કેટયાર્ડ પરિસર બહાર ટેકાના ભાવે મગફળી ખરીદી કરવાનું સેન્ટર ફાળવવામાં આવે તે માટે તંત્રને રજૂઆત કરી છે.