રાજકોટમાં લૂખ્ખા તત્વોની રંજાડ, અમરનગરમાં માથાભારે તત્વોએ મચાવ્યો આતંક
- અમદાવાદના વસ્ત્રાલ જેવી જ ઘટના રાજકોટમાં બની
- બે દિવસ પહેલા પણ છરી સાથે આતંક મચાવ્યો હતો છતાં પોલીસે પગલાં ન લીધા
- મહિલાઓ પર મીર્ચી સ્પ્રે છાંટીને સોડા બોટલોના ઘા કર્યા
રાજકોટઃ શહેરમાં પોલીસનો ડર ન હોય તેમ માથાભારે તત્વોની લૂખ્ખાગીરી વધતી જાય છે. સામાન્ય વાતમાં ઝગડો કરીને મારામારીના બનાવો પણ વધતા જાય છે. ત્યારે શહેરના મવડી વિસ્તારમાં અમરનગરમાં અમદાવાદના વસ્ત્રાલ જેવો જ બનાવ બન્યો હતો. કોઈ કારણ વિના નિર્દોષ લોકોને માથાભારે શખસોએ ફટકાર્યા હતા. ઉનાળાની ગરમીમાં ઘરની બહાર બેઠેલી મહિલાઓ પર મીર્ચીનો સ્પ્રે છાંટીને સોડા-બોટલોના ઘા કરીને ભયનું વાતાવરણ સર્જી દીધુ હતું. એટલું જ નહીં આ બનાવને લીધે લોકોના ટોળાં એકઠા થતાં ઉશ્કેરાયેલા શખસોએ ધાક જમાવવા માટે લોકોના ટોળાં પર વાહનો ચડાવી દઇ તેમને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો.
આ બનાવની વિગતો એવી જાણવા મળી છે કે, ગઈ રાત્રે શહેરના મવડીના અમરનગર વિસ્તારમાં અનેક પરિવારો ઉનાળાની ગરમીમાં તેમના ઘરની બહાર મહિલા અને બાળકો સાથે બેઠા હતા ત્યારે ત્રણ કુખ્યાત શખ્સ સહિત દશેક અસામાજિક તત્વોની ટોળકી વાહનમાં ત્યા આવી હતી અને મહિલાઓ એકાએક પર મીર્ચી સ્પ્રેથી હુમલો કર્યો હતો. સોડા-બોટલના ઘા કરી દહેશતનું વાતાવરણ સર્જી દીધું હતું. આટલું કર્યા બાદ માથાભારે શખસો પરત ફર્યા હતા. ત્યારબાદ થોડીવાર બાદ ફરી વાહનો લઇને આવ્યા હતા આ સમયે લોકોમાં રોષ હતો અને ટોળા સ્વરૂપે ચર્ચા કરી રહ્યા હતા ત્યારે અચાનક જ ઘસી આવેલા માથાભારે શખસોએ લોકોના ટોળાં પર વાહનો ચડાવી દઇ તેમને કચડી નાંખવાનો પ્રયાસ કર્યો હતો. આથી લોકોમાં નાશભાગ મચી ગઇ હતી. આ બનાવમાં એક મહિલાને હાથમાં ઇજા થઇ હતી, જ્યારે અન્ય કેટલાક લોકોને પડી જવાથી નાની મોટી ઇજાઓ પણ થઇ હતી. માલવિયાનગર પોલીસના સ્ટાફે કોઇ ત્વરીત કાર્યવાહી ન કરતાં અમરનગર વિસ્તારના લોકોએ કંટ્રોલ રૂમને જાણ કરીને બનાવની ગંભીરતા વર્ણવી હતી.
શહેરના ડીસીપી ઝોન-2 જગદીશ બાંગરવાને આ બનાવની જાણ થતાં તે સીધા જ અમરનગર વિસ્તાર દોડી ગયા હતા અને અગાઉ પણ આ ટોળકી સામે કોઇકાર્યવાહી ન કરનારા માલવિયાનગરના પોલીસ ઇન્સપેક્ટર દેસાઇ સહિતના સ્ટાફને આદેશ કર્યો હતો કે, લુખ્ખાઓને તાકીદે પકડો અને તેની સામે આકરી કાર્યવાહી શરૂ કરો. આથી મધરાતે એક સગીર સહિત ત્રણ શખસને ઝડપી લેવામાં આવ્યા હતા. જ્યારે અન્યની શોધખોળ શરૂ કરાઇ છે. લોકોએ રજૂઆત કરી હતી કે, એક દિવસ પહેલાં પણ આ શખસોએ છરી સાથે આતંક મચાવ્યો હતો છતાં પોલીસે માત્ર અરજી લીધી હતી. કોઈ કાર્યવાહી કરી ન હતી.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના કહેવા મુજબ શહેરના મવડી નજીક અમરનગરમાં બાપા સીતારામ ચોક પાસે બે દિવસ પહેલાં નશામાં ધૂત શખ્સોએ છરીઓ સાથે ધસી આવી છોકરાંઓને ધમકાવ્યા હતા. તેથી સ્થાનિક લોકોએ માલવિયાનગર પોલીસમાં ફરિયાદ કરી હતી. બનાવને પગલે લુખ્ખા ટોળકીને જાણ થતા વધુ ઉશ્કેરાયા હતા. રાત્રીના સમયે નશામાં ધૂત ટોળકી ધસી આવી હતી અને મહિલાઓ પર મિર્ચી સ્પ્રે છાંટી મારકૂટ કરી હતી. બાદમાં શખ્સોએ સોડા-બોટલ અને પથ્થરમારો કરી નાસી છૂટ્યા હતા.બનાવને પગ઼લે વિસ્તારવાસીઓ એકઠા થઇ જતા લુખ્ખા ટોળકી ફરી વાહનો સાથે ધસી આવી હતી અને લોકોને કચડી નાખવાનો પ્રયાસ કર્યા હતો. જેમાં નાસભાગ થઇ ગઇ હતી. દરમિયાન ડીસીપીની સૂચનાથી માલવિયાનગર પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી કરી હતી. વિશ્વનગર પાસેના ક્વાર્ટરમાં રહેતો રાજદીપ દિનેશભાઇ પરમાર, સંજય મિયાત્રા અને એક સગીરને ઉઠાવી લઇ આકરી કાર્યવાહી કરી છે તેમજ વધુ શખસોને પકડી લેવા કાર્યવાહી કરી છે.