ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ટ્રકે ટક્કર મારતા રિક્ષાએ પલટી ખાતા બેના મોત
- ચોપડવા બ્રિજની નજીક સર્જાયો અકસ્માત,
- એક વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો,
- પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી
ભૂજઃ કચ્છમાં રોડ અકસ્માતોના બનાવો વધતા જાય છે. ત્યારે ભચાઉ-ગાંધીધામ હાઈવે પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો છે. ભચાઉ-ગાંધીધામ હાઇવે પર ગત મોડી રાત્રે ટ્રકે રિક્ષાને ટક્કર મારતા રિક્ષા પલટી જતા બેના મોત નિપજ્યા હતાય જ્યારે એકને ઈજા થઈ હતી.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, ભચાઉ-ગાંધીધામ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે રિક્ષા અને ટ્રક વચ્ચે આ ગંભીર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચતા ઘટનાસ્થળે જ બે લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે ત્રીજા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેની સારવાર ચાલુ છે. આ ઘટના બાદ તરત લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે એકઠા થયા હતા. જોતજોતામાં ઘટનાની જાણ થતા જ પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી અને મૃતકોના મૃતદેહને હોસ્પિટલ મોકલી તપાસ શરુ કરી હતી. હજુ અકસ્માતમાં ભોગ બનનારની ઓળખ થઈ નથી, જેથી પોલીસ ઘટનામાં મૃતકો અને ઈજાગ્રસ્તના પરિવારની શોધખોળ કરી રહી છે.
નોંધનીય છે કે, કચ્છમાં તાજેતરમાં વધતા અકસ્માતોને લઈને સ્થાનિક લોકોમાં ચિંતા વધી છે. ભચાઉ-ગાંધીધામ હાઇવે પર રાત્રિના સમયે વાહનોની ઝડપ અને અગવડતાવાળા વળાંકોને કારણે આવી ઘટનાઓ વારંવાર બને છે. ત્યારે આ અંગે તંત્ર જરૂર પગલાં લે તેવી લોકમાંગ ઉઠવા પામી છે. આ બનાવમાં પોલીસે અકસ્માતમાં ભોગ બનેલાના પરિવાર તથા અકસ્માત સર્જનારા ટ્રક ચાલકની તપાસ શરૂ કરી છે.