For the best experience, open
https://m.revoi.in
on your mobile browser.
Advertisement

યુક્રેન-રશિયા સંઘર્ષ સમાપ્ત કરવા માટે વાતચીત અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો : ભારત

04:56 PM Sep 05, 2025 IST | revoi editor
યુક્રેન રશિયા સંઘર્ષ સમાપ્ત કરવા માટે વાતચીત અને કૂટનીતિ જ એકમાત્ર રસ્તો   ભારત
Advertisement

નવી દિલ્હીઃ ભારતે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષના ઉકેલ માટે વાતચીત અને કૂટનીતિની આવશ્યકતા પર ભાર મૂક્યો છે. ભારતે ઇંધણની કિંમતો સહિત યુદ્ધના પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી અને કહ્યું કે દક્ષિણના દેશોને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા માટેના પ્રયાસો પ્રત્યે સમર્થન વ્યક્ત કર્યું હતું. હરીશે મહાસભાને જણાવ્યું હતું કે, “અમે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિન વચ્ચે અલાસ્કામાં યોજાયેલી શિખર બેઠકનું સમર્થન કર્યું છે. અમે અલાસ્કા શિખર સંમેલનમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરીએ છીએ.” અમેરિકાના રાષ્ટ્રપતિની શાંતિ પહેલ હેઠળ ટ્રમ્પ અને પુતિન 15 ઓગસ્ટે અલાસ્કામાં મળ્યા હતા. 

Advertisement

હરીશે કહ્યું હતું કે, “ભારત શાંતિ તરફના તાજા સકારાત્મક વિકાસનું સ્વાગત કરે છે.” તેમણે ઉમેર્યું કે, ભારત સંઘર્ષને વહેલી તકે સમાપ્ત કરવા માટેના રાજનૈતિક પ્રયાસોને સમર્થન આપવા માટે તૈયાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની યુક્રેનના રાષ્ટ્રપતિ વ્લાદિમીર ઝેલેન્સ્કી, રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને યુરોપિયન નેતાઓ સાથેની ચર્ચા શાંતિની સંભાવનાઓને આગળ વધારે છે. ખરેખર, પુતિનને મળવા જવાના પહેલા ઝેલેન્સ્કીએ શનિવારે પ્રધાનમંત્રી મોદીને વાત કરી હતી. ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે તેમણે પીએમ મોદીને જણાવ્યું કે તેઓ રશિયન નેતાને મળવા માટે તૈયાર છે. ઝેલેન્સ્કી અને પુતિન વચ્ચેની મુલાકાત ટ્રમ્પની શાંતિ યોજનાનો આગલો તબક્કો છે.  

યુક્રેન પર એસેમ્બલી દરમિયાન થયેલી ચર્ચામાં હરીશે કહ્યું હતું કે, “સ્થાયી શાંતિ માટે તમામ પક્ષોની સંપૂર્ણ ભાગીદારી અને પ્રતિબદ્ધતા અત્યંત જરૂરી છે.” તેમણે કહ્યું હતું કે, “અમે વોશિંગ્ટનમાં યુક્રેનના રાષ્ટ્રપતિ અને યુરોપિયન નેતાઓ સાથે ચર્ચા કરવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ દ્વારા કરાયેલા રાજનૈતિક પ્રયાસોની પણ નોંધ લીધી છે.” પુતિન સાથેની બેઠક પછીના ત્રણ દિવસ બાદ ટ્રમ્પે ઝેલેન્સ્કી અને યુરોપિયન નેતાઓને શિખર સંમેલન અંગે માહિતી આપી હતી, જેમાં ફ્રાંસના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોં, બ્રિટિશ પ્રધાનમંત્રી કિયર સ્ટાર્મર, જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ, ઇટલીની પ્રધાનમંત્રી જ્યોર્જિયા મેલોની, યુરોપિયન યુનિયનની અધ્યક્ષ ઉર્સુલા વોન ડેર લેયેન અને નાટોના મહાસચિવ માર્ક રૂટે સામેલ હતા. બેઠકમાં યુરોપિયન નેતાઓએ સાવચેતીપૂર્વક ટ્રમ્પના પ્રયાસોને સમર્થન આપ્યું હતું 

Advertisement

હરીશે કહ્યું હતું કે, “અમને લાગે છે કે આ તમામ રાજનૈતિક પ્રયાસો યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા અને સ્થાયી શાંતિની સંભાવનાઓ ખોલવા માટે પ્રતિબદ્ધ છે. ભારતે સતત એ વલણ અપનાવ્યું છે કે યુક્રેન સંઘર્ષનો ઉકેલ માત્ર વાતચીત અને કૂટનીતિ દ્વારા જ સંભવ છે, ભલે આ રસ્તો કેટલો જ મુશ્કેલ કેમ ન હોય” હરીશે યુદ્ધથી થતી નુકસાની અને પરિણામોની પણ ચર્ચા કરી હતી, જેમાં ઇંધણની વધતી કિંમતોનો પણ સમાવેશ થાય છે. તેમણે કહ્યું હતું કે દક્ષિણના દેશોને પોતાના હાલ પર છોડી દેવામાં આવ્યા છે અને જરૂરી છે કે તેમનો અવાજ સાંભળવામાં આવે અને તેમની યોગ્ય ચિંતાઓનું નિરાકરણ કરવામાં આવે.

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ પી. હરીશે કહ્યું હતું કે, “યુક્રેન સંઘર્ષ પ્રત્યે ભારતનો અભિગમ જનકેન્દ્રિત રહ્યો છે. અમે યુક્રેનને માનવતાવાદી મદદ અને વૈશ્વિક દક્ષિણમાં આપણા મિત્રોને આર્થિક સહાય આપી રહ્યા છીએ, જેમાં આર્થિક સંકટમાંથી પસાર થતા કેટલાક પડોશી દેશોનો પણ સમાવેશ થાય છે.” અમેરિકાના કાર્યકારી સ્થાયી પ્રતિનિધિ ડોરોથી શીએ કહ્યું હતું કે, “રાષ્ટ્રપતિ ટ્રમ્પના નેતૃત્વ હેઠળ યુનાઇટેડ સ્ટેટ્સે આ યુદ્ધ સમાપ્ત કરવા માટે અસાધારણ પ્રયત્નો કર્યા છે. આગલું પગલું એ છે કે રશિયા અને યુક્રેનના નેતાઓ દ્વિપક્ષીય રીતે મળે અને અંતે લડાઈ સમાપ્ત કરવા પર સહમત થાય.” જોકે, તેમણે રશિયા દ્વારા સતત હુમલા ચાલુ રાખવામાં આવતા શાંતિના પ્રયાસો પ્રત્યે શંકા પણ વ્યક્ત કરી હતી.

ડોરોથી શીએ કહ્યું હતું કે ટ્રમ્પ-પુતિન શિખર બેઠક બાદ રશિયાએ યુદ્ધ શરૂ થયા પછી યુક્રેન પર બીજો સૌથી મોટો હવાઈ હુમલો કર્યો હતો. સતત થતા હુમલાઓ રશિયાની શાંતિ ઈચ્છાની ગંભીરતા પર સવાલ ઉભા કરે છે. નાગરિક વિસ્તારો પરના હુમલા તરત જ બંધ થવા જોઈએ. યુક્રેનની ઉપ વિદેશ મંત્રી મારિયાના બેટ્સાએ ટ્રમ્પ દ્વારા સૂચિત કરાયેલા શાંતિ કરારમાં ભૂમિ છોડવાની શક્યતાને નકારી કાઢી હતી. તેમણે કહ્યું હતું કે ક્રિમિયા અને રશિયા દ્વારા કબજા કરાયેલા બધા વિસ્તારો, યુક્રેનના બંધારણ અને આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ યુક્રેનના સ્વતંત્ર ક્ષેત્ર જ રહેશે. તેમણે કહ્યું હતું કે, “આ ખરેખર શાંતિના શરૂઆતના મુદ્દા છે. આવી શાંતિ, જે વિશ્વસનીય સુરક્ષા ખાતરી પર આધારિત હોવી જોઈએ.” રશિયાના સ્થાયી પ્રતિનિધિ વસિલી નેબેન્ઝયાએ પણ દાવો કર્યો હતો કે તેઓ કબજા કરેલા વિસ્તારો પર પોતાનો કાબૂ જાળવી રાખશે। તેમણે આ વિસ્તારો ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે રશિયાના હોવાનું કહીને તેને ‘કબજાવાળા વિસ્તાર’ કહેવું ખોટું અને રાજકીય પ્રેરિત નિર્માણ ગણાવ્યું હતું.

Advertisement
Tags :
Advertisement