ડાકોરના રણછોડરાયજીને ભાવિકો ઓનલાઈન નોંધણી કરાવી વસ્ત્રો અર્પણ કરી શકશે
- આવતીકાલ ગુરૂવારથી ભાવિકો મંદિરની વેબસાઈટ પર બુકિંગ કરાવી શકશે
- સવારના વસ્ત્રો માટે રૂપિયા 5000 અને સાજના વસ્ત્રો માટે 2500 જમા કરાવવા પડશે
- વસ્ત્ર નોંધણી અંગે મંદિરનો નિર્ણય આખરી ગણાશે
ડાકોરઃ યાત્રાધામ ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા શ્રી રણછોડરાયજી મંદિરમાં ભગવાનને વસ્ત્રો અર્પણ કરવા માટે આવતી કાલ તા. 3થી એપ્રિલથી નવી પહેલ શરૂ કરવામાં આવશે. જેમાં ભક્તો અને ગુજરાતની બહાર રહેતાં વૈષ્ણવો ઓનલાઈન બુકિંગ દ્વારા રણછોડાયજીને વસ્ત્ર અર્પણ કરી શકશે.કાલે તા. 3 એપ્રિલે સવારે 10 વાગ્યે મંદિરની સત્તાવાર વેબાસાઈટ www.ranchhodraiji.org પરથી વસ્ત્રો માટે નોંધણી કરાવી શકાશે. જેના માટે મંદિર દ્વાર નક્કી કરવામાં આવેલી ફી ઓનલાઈન ભરવાની રહેશે. વેબસાઈટ પર વસ્ત્રોની નોંધણીના નિયમોનું પાલન કરવાનું રહેશે.
ડાકોર ટેમ્પલ કમિટીના સૂત્રોના જણાવ્યા મુજબ મંદિરમાં રણછોડરાયજીને ભાવિકો વસ્ત્રો અર્પણ કરી શકશે. જેમાં ભાવિકોએ ઓનલાઈન બુકિંગ કરાવવું પડશે. વસ્ત્રની નોંધણી માટે સવારના વસ્ત્ર માટે 5000 રૂપિયા તેમજ સાંજના વસ્ત્ર માટે 2500 રૂપિયા તુરંત ઓનલાઈન પેમેન્ટ દ્વારા જમા કરાવવાના રહેશે. વસ્ત્રની ઓનલાઈન નોંધણી કરાવતી વખતે એક જ તારીખમાં બે કે તેથી વધુ વૈષ્ણવોના વસ્ત્ર માટેનું બુકીંગ થયેલું હશે તો તેમાં બુકિંગનો-પેમેન્ટનો પહેલાં નાણાં ચૂકવનારનો સમય જ ધ્યાને લઈ વસ્ત્ર નોંધણી ક્રમ નકકી કરવામાં આવશે, જે સબંધે કોઈ ફરિયાદ સાંભળવામાં નહીં આવે અને મેનેજરનો નિર્ણય આખરી રહેશે.
ટેમ્પલ કમિટીના સૂત્રોએ ઉમેર્યું હતું કે, મંદિરના લાગાના નક્કી કરેલા દિવસોની તથા ધનુ માસના પ્રારંભથી-અંત સુંધીના દિવસોની તારીખ કોઈપણ વૈષ્ણવને આપવામાં નહીં આવે. આ અંગે કમિટીનો નિર્ણય આખરી રહેશે. અસામાન્ય સંજોગોમાં મંદિરના પોતાના વસ્ત્રો ધરવાના થાય તો તે પ્રમાણે અમલ કરવામાં આવશે અને જે તે દિવસ નોંધાયેલા વૈષ્ણવને બીજી તારીખ મંદિર તરફથી આપવામાં આવશે. જે અંગે કોઈ ફરિયાદ કરી શકાશે નહીં. આવો પ્રશ્ન ઉપસ્થિત થઈ મેનેજરનો રૂબરૂ સંપર્ક કરવો અને આ અંગે મેનેજરનો નિર્ણય આખરી ગણાશે.