યાત્રાધામ અંબાજીમાં આજે દેવ દિવાળીએ ભાવિકો દર્શન માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યાં
- અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારાયું,
- મંગળા આરતી માટે વહેલી પરોઢે 4 વાગ્યાથી ભાવિકોની લાઈનો લાગી,
- પૂનમના દિવસે અંબાજી માતાજીના દર્શન કરવાનું વિશેષ મહત્વ છે,
અંબાજીઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ અને શક્તિપીઠ ગણાતા અંબાજીમાં આજે દેવ દિવાળીના દિને માતાજીના દર્શન માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. આજે કાર્તિક પૂર્ણિમાના દિવસે વહેલી સવારે મંગળા આરતીમાં જોડાવા માટે ભક્તો સવારના 4 વાગ્યાથી જ લાંબી કતારોમાં ઉભા રહેલા જોવા મળ્યા હતા.
ગુજરાત અને રાજસ્થાનની સરહદ પર આવેલું અંબાજી 51 શક્તિપીઠો પૈકી એક આદ્યશક્તિપીઠ તરીકે ઓળખાય છે. મંદિરના શિખર પર 358 નાના-મોટા સુવર્ણ શિખરો શોભાયમાન છે. પૂનમના દિવસે અંબાજીમાં દર્શન કરવાનું વિશેષ મહત્વ છે. મંગળા આરતી માટે ભક્તોની કતારો મંદિરના ચાચર ચોકથી શક્તિદ્વાર સુધી પહોંચી હતી. કેટલાક ભક્તો 35 વર્ષથી સંઘ લઈને માતાજીના દર્શને આવતા હતા. તેમણે દેવ દિવાળી પર્વ મંદિર પરિસરમાં ગરબા રમીને ઉજવ્યો હતો.
આ પવિત્ર દિવસે અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સંઘ અને ધજાઓ લઈને આવેલા ભક્તોએ માતાજીના દર્શન કરી ચાચરચોકમાં ગરબે ઘૂમ્યા હતા. દિવાળી પર્વ દરમિયાન ભક્તોની મોટી સંખ્યાને કારણે મંદિરની ભંડારાની આવકમાં પણ વધારો નોંધાયો હતો.
આજે દેવ દેવાળીના દિને અંબાજી ઉપરાંત યાત્રાધામ શામળાજીમાં પણ ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શામળિયાના દર્શન કરવા માટે વહેલી સવારથી જ હજારો ભક્તો ઉમટી પડ્યા હતા અને મંદિરની બહાર લાંબી કતારો લાગી હતી. દેવ દિવાળી નિમિત્તે ભગવાન શામળિયાને અનોખો શણગાર કરવામાં આવ્યો હતો. તેમને ખાસ વાઘા પરિધાન કરાવવામાં આવ્યા હતા, જેમાં હીરા જડિત મુગટ અને સોનાના આભૂષણો સહિતના અલંકારો પહેરાવવામાં આવ્યા હતા, જેનાં દર્શન કરીને ભક્તોએ ધન્યતા અનુભવી હતી.