બીજા દેશો પર આધાર ભારતનો એકમાત્ર શત્રુ, આત્મનિર્ભરતા જ છે ઉપાય : PM મોદી
ભાવનગર: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે ભાવનગરના ગાંધી મેદાન ખાતે યોજાયેલા ‘સમુદ્રથી સમૃદ્ધિ’ કાર્યક્રમને સંબોધન કરતાં આત્મનિર્ભર ભારતના સંકલ્પ પર ભાર મૂક્યો હતો. તેમણે જણાવ્યું કે અન્ય દેશો પર આધાર ભારતનો સૌથી મોટો શત્રુ છે અને દેશે સેમિકન્ડક્ટર ચિપ્સથી લઈને જહાજો સુધી દરેક વસ્તુનું ઉત્પાદન સ્વદેશમાં કરવું પડશે. પ્રધાનમંત્રીએ કુલ રૂ. 34,200 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “સાચા અર્થમાં દુનિયામાં ભારતનો કોઈ મોટો શત્રુ નથી. બીજાં દેશો પર આધાર જ ભારતનો એકમાત્ર શત્રુ છે. જેટલો આપણે બીજાઓ પર આધાર રાખીશું, એટલી નિષ્ફળતા વધશે.”
મોદીએ જણાવ્યું કે, ભારતની બધી સમસ્યાઓનું એક જ સમાધાન છે – આત્મનિર્ભરતા. તેમણે આર્થિક ભારનું ઉદાહરણ આપતાં કહ્યું કે ભારતને દુનિયામાં માલ મોકલવા માટે દર વર્ષે વિદેશી કંપનીઓને અંદાજે રૂ. 6 લાખ કરોડ ચૂકવવા પડે છે, જે દેશના રક્ષા બજેટ જેટલા છે. તેમણે યાદ અપાવ્યું કે લગભગ 50 વર્ષ પહેલાં ભારતના 40 ટકા વેપારનું પરિવહન ભારતીય જહાજો દ્વારા થતું હતું, જે હવે ઘટીને માત્ર 5 ટકા રહી ગયું છે. સરકારે મોટા જહાજોને અવસરરૂપ ઈન્ફ્રાસ્ટ્રક્ચર તરીકે માન્યતા આપીને ભારતના સમુદ્રી ક્ષેત્રને મજબૂત બનાવવા ઐતિહાસિક નિર્ણય લીધો છે.
પ્રધાનમંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે ભારતના બંદરો દેશને વૈશ્વિક સમુદ્રી મહાશક્તિ તરીકે ઉભું કરવા માટે રીઢ સમાન છે. કોંગ્રેસ સરકારો પર આક્ષેપ કરતાં મોદીએ કહ્યું કે, લાયસન્સ રાજ જેવા નિયંત્રણો લાદીને કોંગ્રેસે ભારતના પ્રતિભાશાળી લોકોના આત્મવિશ્વાસને કચડી નાખ્યો હતો.